સુરતમાં જુની અદાવતમાં વેપારીની જાહેરમાં હત્યા

| Updated: May 18, 2022 5:42 pm

સુરતમાં આવેલ ઉન ભીંડી બજારમાં જાહેરમાં જ વેપારીને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર જોવા મળી હતી. આ બનાવની જાણ પોલીસને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરવા માટે ચક્રિગતિમાન હાથ ધર્યા છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉન ભીંડી બજાર ખાતે રહેતા અને ફ્રૂટનો વેપાર કરતાં અખ્તર શેખ ધંધા પરથી ઘરે પરત આવી રહ્યો હતો. તે વેળા તેને ફોન આવ્યો અને તેને મળવા માટે ઉન પાટિયા બોલાવવામાં આવ્યો હતો. ફોન આવતા તે તેના માતા પિતાને આવું છું કહીને મળવા માટે ઉન પાટિયા ગયો હતો. જો કે, ત્યા હાજર આરોપીઓએ તેની સાથે ઝઘડો કર્યો હતો.

આરોપી શાહરૂખે અખ્તર પર ચપ્પુ લઈને તૂટી પડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ ઈસમો પણ લાકડાના ફટકા મારવા લાગ્યા હતા જેથી અખ્તરને ગંભીર ઈજાઓ થતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ અખ્તરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ સમગ્ર મામલે સચિન GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક અને આરોપીઓ એકબીજાના પરિચિત હતા. રમઝાન માસમાં કોઈ કારણોસર બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. જો કે હત્યાનું સાચુ કારણ તો આરોપીઓની ધરપકડ બાદ તેમની પૂછપરછમાં જ સામે આવશે.

Your email address will not be published.