પેરિસઃ ભારતીય ક્રિકેટ ટીમના આધારભૂત બેટ્સમેન પણ નબળાના દેખાવના લીધે પડતા મૂકાયેલા ચેતેશ્વર પૂજારાના લીધે કાઉન્ટી્માં કરેલો શાનદાર દેખાવ ફળ્યો છે. તેમને કાઉન્ટીના દેખાવના આધારે સીધી ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મળી છે. પૂજારા હાલમાં કાઉન્ટીમાં બ્રેક દરમિયાન પેરિસમાં કુટુંબ સાથે રજાઓ ગાળી રહ્યો છે ત્યારે તેને ટીમ ઇન્ડિયામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હોવાના સમાચાર મળ્યા હતા. ચેતેશ્વર પૂજારાનો ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાં સમાવેશ કરાયો છે. ઇંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટેની ટીમ જાહેર કરવામાં આવી તેમા પૂજારાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
તેણે કહ્યું કે સારું થયું કે હું આ વખતે આઇપીએલમાં ન રમ્યો, નહી તો મને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ન હોત. આ વખતે આઇપીએલના મેગા ઓકશનમાં દસમાંથી કોઈપણ ટીમે પૂજારા પર દાવ લગાવ્યો ન હતો. તેથી પૂજારા ઇંગ્લેન્ડ ગયો હતો અને કાઉન્ટીમાં રમવા લાગ્યો હતો. તેને સસેક્સ કાઉન્ટી સાથે રમવાની તક મળી. પૂજારાએ ત્યાં શાનદાર દેખાવ કરતા તેને ટીમ ઇન્ડિયામાં ફરીથી સ્થાન મળ્યું છે. પૂજારાએ સસેક્સ તરફથી કાઉન્ટીની પાંચ મેચમાં 120ની સરેરાશે 720 રન કર્યા છે. તેમા બે તો બેવડી સદી ફટકારી હતી અને કુલ ચાર સદી ફટકારી હતી.
પૂજારાએ જણાવ્યું હતું કે ઇશ્વર જે કરે છે તે સારુ જ કરે છે તે આ વખતે મને જોવા મળ્યું. આઇપીએલમાં કોઈપણ ટીમે મારી પસંદગી ન કરતાં હું નિરાશ થયો હતો, કોઈપણ ટીમે મારા પર દાવ લગાવ્યો ન હતો. પણ જે થાય છે તે સારા માટે થાય છે. હવે થાય છે કે આઇપીએલમાં સિલેકશન ન થયું તે સારું થયું. જો આઇપીએલમાં સિલેકશન થયું હોત તો માંડ એક કે બે મેચ રમવા મળી હોત અને મોટાભાગનો સમય નેટ પ્રેક્ટિસમાં વીતાવવો પડ્યો હોત. તેની સામે આ તો ઇંગ્લેન્ડમાં રમવાની તક મળી. તેના સારા દેખાવના પગલે ટીમ ઇન્ડિયામાં ગુમાવાયેલું સ્થાન પણ પરત મળ્યું. પૂજારા હાલમાં તેની પેરિસની રજાઓની તસ્વીર શેર કરતો રહે છે.