પુતિન કેન્સરગ્રસ્તઃ રશિયાનો કાર્યભાર એફએસબીના વડા નિકોલાઈ પેટ્રુશેવ સંભાળશે

| Updated: May 2, 2022 5:57 pm

નવી દિલ્હીઃ યુક્રેન સામે યુદ્ધે ચડેલા રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિન કેન્સરગ્રસ્ત છે. તેઓ હવે કેન્સરનું ઓપરેશન કરાવવા જઈ રહ્યા છે. પુતિનને 18 મહિના પહેલા પેટનું કેન્સર અને પાર્કિન્સન રોગ થયો હતો. તેમણે ઓપરેશનમાં પણ વિલંબ કર્યો છે. પુતિનની ગેરહાજરીમાં રશિયાનો કાર્યભાર રશિયન જાસૂસી સંસ્થા એફએસબીના વડા નિકોલાઈ પેટ્રુશેવ સંભાળશે. તેઓ પુતિનના વિશ્વસનીય મનાય છે.

પુતિનના ઓપરેશનને ક્રેમલિનના વિશ્વસનીય વર્તુળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ ઓપરેશન જો કે 9મી મેના રોજની વિજય ડે પરેડ પછી જ કરાય તેમ મનાય છે. બીજા વિશ્વયુદ્ધમાં રશિયાના લશ્કરની બહાદુરીની યાદમાં મોસ્કોના રેડ સ્કવેર પર આ પરેડનું આયોજન કરવામાં આવે છે. પુતિન પરેડમાં રાષ્ટ્રપતિ તરીકે ભાગ લેશે અને પછી તેમનું ઓપરેશન થશે.

પુતિન પરનું ઓપરેશન એપ્રિલના અંતિમ સપ્તાહમાં થવાનું હતું, પરંતુ યુદ્ધના લીધે તે શક્ય બન્યું ન હતું. તેના પછી પુતિનનું ઓપરેશન કરાવવાની ફરીથી ભલામણ કરવામાં આવી હતી. તેના પર સંમતિ સધાઈ રહી છે. પુતિનના ઓપરેશનની વિગત એટલી ગુપ્ત છે કે સુરક્ષા પરિષદના વડા અને પુતિનના બીજા નંબરના સૌથી વરિષ્ઠ નેતા દમિત્રી મેડવેડેવ, વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન સહિતના ઘણા ટોચના નેતાઓની તેની જાણ નથી.

નિકોલાઈ-પેટ્રુશેવને રશિયા-યુક્રેન યુદ્ધના મુખ્ય શિલ્પી તરીકે જોવામાં આવે છે. તેમણે જ પુતિનને ખાતરી આપી હતી કે કીવ નીયોનાઝીઓથી ભરેલું છે. તેઓ સતત રશિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. તેના પછી પુતિને સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોઇગુ અને આર્મી ચીફ જનરલ વેલેરી ગેરાસિમોવને યુક્રેન પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા પણ આ વર્ષે પુતિન બીમાર હોવાની ચર્ચા ઉઠી હતી. ઇસ્ટરના તહેવાર દરમિયાન મોસ્કોના ચર્ચમાં પહોંચેલા પુતિનને જોઈને બીમાર પડવાની ચર્ચા જાગી હતી. જો કે ક્રેમલિને દર વખતે પુતિનની શારીરિક અસ્વસ્થતા અંગેના દાવાને નકારી કાઢ્યા છે. આ વર્ષે એપ્રિલમાં પુતિન કોરોનાથી સંક્રમિત થયા હતા, તેના લીધે તેમણે એક મહિનો આઇસોલેશનમાં રહેવું પડ્યું હતું.

Your email address will not be published.