અમદાવાદઃ ગૌતમ અદાણીએ રાજ્યસભામાં જવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું હતું કે તેમને રાજકારણમાં રસ જ નથી. અદાણી જૂથે સ્પષ્ટતા કરી જણાવ્યું હતું કે અદાણી પરિવારને રાજકારણમાં જોડાવવામાં રસ જ નથી.
રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણીની જાહેરાત થતાં જ અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથના માલિક ગૌતમ અદાણી કે તેમના પત્ની પ્રીતિ અદાણીને કોઈપણ રાજકીય પક્ષ તરફથી રાજ્યસભામાં મોકલી શકાય છે. તેના પગલે અદાણી જૂથે શનિવારે મોડી રાતે આ ખુલાસો કરીને બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
અદાણી જૂથે સોશિયલ મીડિયા પર પણ આ વાત જણાવી હતી કે અમે રાજકારણમાં જવા માંગતા નથી. તેમણે જણાવ્યું હતું કે ગૌતમ અદાણી કે પ્રીતિ અદાણીને રાજ્યસભાની સીટ આપવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે આ એકદમ ખોટા સમાચાર છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ રાજ્યસભાની બેઠક ખાલી પડે છે ત્યારે આ પ્રકારના સમાચારો વહેવા માંડે છે, પરંતુ આ હકીકત નથી. અદાણી જૂથને કે અદાણી કુટુંબને રાજકારણમાં જોડાવવામાં કોઈ રસ નથી. તેથી રાજ્યસભાની બેઠક માટે આ રીતે અમારુ નામ મીડિયામાં ઉડવા માંડે છે તે બાબત કમનસીબ છે.
આ અંગે કહેવામાં આવી રહ્યુ છે કે જુનમાં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાની ચાર બેઠક ખાલી પડી રહી છે. તેના માટે જોરદાર લોબીઇંગ ચાલી રહ્યું છે. રાજ્યસભાના ચાર સભ્યો વી. વિજયસાઇ રેડ્ડી, વાયએસ ચૌધરી અને સુરેશ પ્રભુ 21 જુને નિવૃત્ત થાય છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ બેઠકો માટે છ જણ દાવેદાર છે. તેમા અદાણી જૂથનું નામ સૌથી આગળ છે. અદાણી જો આ નામ માટે વિનંતી કરે તો આંધ્રના સીએમ જગમોહન રેડ્ડી આ નામ પર વિચાર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 15 રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે દસ જૂને ચૂંટણી યોજાશે. આ તમામ બેઠકોના સાંસદોનો કાર્યકાળ 20 જુને પૂરો થઈ રહ્યો છે. ભાજપની નજર રાજ્યસભામાં બહુમતી બેઠકો મેળવવા પર છે. રાજ્યસભાની 245 બેઠકોમાં ભાજપ પાસે 101 બેઠકો છે અને આ ચૂંટણી પછી તેમની બેઠકો વધશે. ભાજપની નજર રાજ્યસભામાં 122 બેઠકો મેળવવા પર છે. લોકસભા પછી આ રીતે રાજ્યસભામાં પણ બહુમતી મેળવ્યા પછી ભાજપ પોતાની મરજી મુજબના બિલ બંને ગૃહમાંથી પસાર કરાવી શકશે. હાલમાં તો તેણે લોકસભામાં બિલ મંજૂર કરાવ્યા પછી રાજ્યસભામાં મંજૂર કરાવવા ભારે જહેમત કરવી પડે છે.