ગોધરા ખાતે આજે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આદિવાસી ગીત પર મતદાતાઓને રિઝવવા માટે ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમના અંતે આદિવાસી ધૂનવાળું “કોંગ્રેસ પાર્ટી રે કોંગેસ પાર્ટી…” ગીત વાગતા જ લોકો ઝૂમી ઉઠ્યા હતા અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆએ સ્ટેજ પર આવીને રાહુલ ગાંધી સાથે ડાન્સ કર્યો હતો.
રાહુલ ગાંધી આજે ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા માટે દાહોદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ચાંદીનો કંદોરો, કડું તેમજ તીર-કામઠું આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપની દેશના બે ભાગ કરવાની નીતિથી લઇને આગામી સમયમાં તેમની સરકારમાં આદિવાસીઓને મળનારા મહત્ત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
દાહોદમાં યોજાનારું આદિવાસી સંમેલન કરી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 વાગ્યે બેઠક કરી હતી. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજી હતી અને સ્થાનિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.
સભામાં તેઓએ મોદી સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. જેમાં ગુજરાત મોડલને લઈ ચર્ચા કરતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટી બે હિન્દુસ્તાન નથી ઈચ્છતી. “અમને બે નથી જોઈતા. અમને એક ભારત જોઈએ છે અને તે ભારતમાં દરેકને સન્માન મળવું જોઈએ, દરેકને તક મળવી જોઈએ, દરેકને શિક્ષણ મળવું જોઈએ, દરેકને હોસ્પિટલ, આરોગ્ય સેવાઓ મળવી જોઈએ.”
રાહુલ ગાંધીએ રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારનું વિકાસ મોડલ પણ રાખ્યું હતું. તેમણે કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં આપવામાં આવેલી ગેરંટી હેઠળ ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. ખેડૂતો તેમનો ડાંગરનો પાક 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી રહ્યા છે. રાહુલે કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે હેલ્થકેરનું મોડલ તૈયાર કર્યું છે. સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો ખુલી રહી છે. 10 લાખનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવી રહ્યો છે. દવાઓથી માંડીને તમામ ટેસ્ટ અને સારવાર સુધી સંપૂર્ણપણે મફત સેવા આપવામાં આવી રહી છે, જ્યારે ગુજરાતમાં આરોગ્ય સેવાનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ અમે મફત આરોગ્ય અને શિક્ષણ આપવા માંગીએ છીએ.