રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજરઃ સમગ્ર દેશમાં કોંગ્રેસનું આક્રમક પ્રદર્શન

| Updated: June 13, 2022 2:01 pm

નવી દિલ્હીઃ નેશનલ હેરલ્ડ કેસમાં રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થઈ ગયા છે અને ઇડી દ્વારા તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ઇડી સમક્ષ હાજર થવાના કેસમાં સમગ્ર દેશમાં કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યુ છે.

દરેક રાજ્યમાં કોંગ્રેસના સાંસદો, વિધાનસભ્યો અને કાર્યકરોએ ઇડીની ઓફિસ સુધી કૂચ કરી હતી અને તેમની ઓફિસની બહાર સત્યાગ્રહ કર્યો હતો. તેના પગલે રણદીપ સુરજેવાલા સહિત અનેક ટોચના કોંગ્રેસી આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.

નેશનલ હેરલ્ડ કેસમાં રાહુલ ગાંધીને ઇડી સમક્ષ હાજર થવાનું ફરમાન આવ્યું છે. આના પગલે તે કોંગ્રેસી કાર્યકરોની સાથે ઇડીની ઓફિસે પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધીની સાથે આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ રાહુલની તસ્વીર સાથેના પોસ્ટરમાં હિટ ફિલ્મ પુષ્પાનો ડાયલોગ લખ્યો હતો, યે રાહુલ ગાંધી હૈ, ઝુકેગા નહી. કોંગ્રેસ કચેરીની બહાર આ અનેક વિરોધ પ્રદર્શનના લીધે કેટલાય નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે શાસક પક્ષ દ્વારા કેન્દ્રીય એજન્સીઓના થતાં દૂરુપયોગ સામે શાંતિપૂર્ણ વિરોધ કૂચ કાઢવામાં ખોટું શું છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે ઇડીની ઓફિસ સુધી કૂચ કરવાની મંજૂરી આપી નથી.

નેશનલ હેરલ્ડ કેસમાં મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સમન્સ પાઠવવામાં આવતા કોંગ્રેસે દેશવ્યાપી સત્યાગ્રહની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીને નાદુરસ્ત તબિયતના લીધે હોસ્ટિલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે રાહુલ ગાંધી અગાઉ વિદેશ ગયા હોવાથી ઇડી સમક્ષ હાજર રહી શક્યા ન હતા. તેથી તે વિદેશથી પરત આવ્યા પછી આજે ઇડી સમક્ષ હાજર થયા છે.

રાહુલ ગાંધી ઇડી સમક્ષ હાજર થતાં પહેલા દિલ્હીમાં કોંગ્રેસ કચેરીએ ગયા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ હતા. કોંગ્રેસી કાર્યકરોએ રાહુલ ગાંધી ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. તેઓનો આરોપ હતો કે કેન્દ્ર સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે અને બદલાની રાજનીતિ રમી રહી છે. તેના ભાગરૂપે જ રાહુલ ગાંધીને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે ઇડી ઓફિસ સુધી શાંતિપૂર્ણ વિરોધ કાઢી છે. અમે બંધારણના રક્ષક છીએ. અમે ઝૂકીશું કે ડરીશું નહી. પોલીસના ભારે બંદોબસ્ત દ્વારા સરકારે સાબિત કર્યુ છે કે મોદી સરકાર કોંગ્રેસથી હચમચી ગઈ છે.

Your email address will not be published.