કોંગ્રેસની (Congress) ત્રણ દિવસની ચિંતન શિબિરમાં પક્ષમાં માળખાકીય સુધારાઓ, અસરકારક કમ્યુનિકેશન અને લોકો સાથેના જોડાણ સહિતનાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ હશે. આ બધી બાબતો પર ભૂતકાળમાં પણ પક્ષની પેનલો દ્વારા અનેક વાર ચિંતન કરાયું છે.પરંતુ પ્રાદેશિક પક્ષો ભાજપનો મુકાબલો કરવા સક્ષમ ન હતા તેવો રાહુલ ગાંધીનો દાવો વાસ્તવિકતાઓથી ક્યાંય દૂર છે. આ જાહેરાત એવા માની લેવાયેલા પ્રમુખ તરફથી કરાઇ છે જેમનાં ખાતામાં તાજેતરના ભૂતકાળમાં ચૂંટણીમાં જીત કરતાં હાર વધુ છે. રાહુલે ભાગ્યે જ કોંગ્રેસને યાદગાર જીત અપાવી છે. તેમનો આ દાવો 2024માં કોંગ્રેસના ભાવિ માટે શું સંકેત આપે છે?
પહેલી વાત તો એ કે રાહુલનું આ નિવેદન કોંગ્રેસના થોડા ઘણા હાલનાં સાથીઓને અકળાવી શકે છે અને તેની સાથે જોડાણ કરવા માગતા સાથીઓને અટકાવી શકે છે, જો ખરેખર એવા પક્ષો હોય કે જેઓ હજી પણ કોંગ્રેસ સાથે કામ કરવા માગતા હોય .અત્યારે ડીએમકે, શિવસેના, એનસીપી, ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડી કોંગ્રેસનાં સાથીદાર છે. કોંગ્રેસ તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ઝારખંડની સરકારોમાં એક ઘટક છે, જ્યાં ડીએમકે, સેના-એનસીપી અને જેએમએમ મોટા ભાગીદારો છે અને બિહારમાં આરજેડી સાથે તે વિપક્ષમાં છે.
આ રાજ્યોમાં કોંગ્રેસ (Congress) એક જુનિયર સભ્ય છે. કોંગ્રેસ ત્યાં ડીએમકે, સેના, જેએમએમ અને આરજેડી પર આધાર રાખે છે કે તેને રાજ્યસભા અને વિધાન પરિષદમાં (દ્વિગૃહી વિધાનસભા ધરાવતા રાજ્યોમાં) એક કે બે બેઠકો અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ માટે બેઠકો મળે. 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 53 બેઠકો મેળવી હતી, તેમાંથી કેરળ અને પંજાબને બાદ કરીએ તો તામિલનાડુમાં ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનનાં કારણે કોંગ્રેસને (Congress) ફાયદો થયો હતો. દેખીતી રીતે જ રાહુલને રિયાલિટી ચેકની જરૂર છે.
બીજું, કોંગ્રેસને ભારતની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી તરીકે ભાજપ-વિરોધી ગઠબંધનનું સુકાન સોંપવું એ સારી વાત છે, પરંતુ શું આ પક્ષ કેટલાક નેતાઓ માને છે તેમ તેની સર્વોપરિતાને મજબુત કરવા માટે માત્ર ઇતિહાસ અને ભવ્યતા પર આધારિત રહી શકે ખરો? તેના તાજેતરના ચૂંટણી રેકોર્ડને જોઇએ તો માત્ર છત્તીસગઢ અને રાજસ્થાન એમ માત્ર બે રાજ્યોમાં તેની સ્વતંત્ર સત્તા છે.
2018માં, મધ્યપ્રદેશમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લીધાના એક વર્ષમાં તેને સત્તા ગુમાવીને વિપક્ષમાં બેસવું પડ્યું. કોંગ્રેસ નસીબદાર હશે જો તે 2024નાં મોટા જંગ પહેલા ચૂંટણી થવાની છે તે રાજ્યોમાંથી કોઈ એક રાજ્ય જીતી લે અને સાથી પક્ષોને જાળવી રાખવા ઉપરાંત નવા ભાગીદારોને આકર્ષી શકે. તૃણમૂલ કોંગ્રેસે જાહેરમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ભાજપ વિરુદ્ધ મોરચો બને તો પણ કોંગ્રેસ તેનાં કેન્દ્રમાં નહીં હોય. ટીએમસી પશ્ચિમ બંગાળમાં ભાજપની મુખ્ય પ્રતિસ્પર્ધી છે અને ભારે લડત આપ્યા બાદ 2021ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.
રાહુલે ભાજપ સામે વિપક્ષની લડાઈમાં વિચારધારાને મહત્વ આપીને ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ જ એકમાત્ર એવી સંસ્થા છે જે ભાજપનો વૈચારિક રીતે મુકાબલો કરી શકે છે. એ વાત સાચી છે કે પ્રાદેશિક પક્ષોમાં આરજેડી અને સમાજવાદી પાર્ટીને બાજુ પર રાખીએ તો, અન્ય પક્ષો ભાજપ સાથે જોડાયેલા છે, ચૂંટણીમાં સહયોગી અને સરકારોમાં ભાગીદાર તરીકે અથવા ખાનગી સમર્થકો તરીકે. જેમાં બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને વાયએસ જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ (Congress) પાર્ટી છે. પરંતુ ભાજપના ભૂતપૂર્વ અને વર્તમાન મિત્રો વિચારધારાથી વંચિત છે તેવું કહેવું અયોગ્ય છે.
કોંગ્રેસે પોતે જ તેના પ્રવચન અને ઝુંબેશમાં ધર્મનો ઉપયોગ કરવા અંગેની આંતરિક દ્વિધાઓનો ઉકેલ લાવવાનો બાકી છે. ઉદેપુરની બેઠકમાં તેની મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી. તેને હંમેશાં સ્પષ્ટ આર્થિક દૃષ્ટિકોણ રજૂ કરવાની સમસ્યા રહે છે, કારણ કે પી.વી. નરસિંહરાવ અને મનમોહન સિંઘ દ્વારા શરુ કરાયેલા આર્થિક સુધારાઓને સમર્થન આપવાનું ચાલુ રાખવું કે પછી મોટે ભાગે લોકપ્રિયતાવાદ પર આધારિત સમાજવાદ તરફ પાછા ફરવું તે અંગે તે અવઢવમાં છે.
તો પછી રાહુલ કેવી રીતે એવું કહી શકે કે પ્રાદેશિક પક્ષમાં ભાજપને પડકારવા માટે વૈચારિક આધારનો અભાવ છે? જો ટીએમસી ભાજપ સામે લડવા માટે વિચારધારા ધરાવતી ન હોત અને તેના દૃષ્ટિકોણને સ્પષ્ટપણે રજૂ કરવામાં નિષ્ફળ ગઈ હોત, તો શું પશ્ચિમ બંગાળના લઘુમતીઓ અને હિન્દુઓનું સમર્થન કેવી રીતે મળ્યું જેમના માટે ભાજપ મમતા બેનર્જીને અભિશાપ ગણાવતો હતો? અને કોંગ્રેસ અને ડાબેરીઓએ નવા બનેલા ભારતીય બિનસાંપ્રદાયિક મોરચા સાથે તેમના સમર્થનને નબળું પાડવા માટે સખત મહેનત કેમ કરી?
ભાજપે કોંગ્રેસ કરતા વધુ ચતુરાઈથી જમીન પરની હકીકતને ઓળખી છે. તેણે આપને સમજવાનું શરુ કર્યું છે. ઉદાહરણ તરીકે, આપએ પડોશી પંજાબ પર વિજય મેળવ્યા બાદ તે હિમાચલમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને નિશાન બનાવી રહ્યો છે, જયાં આ વર્ષે નવેમ્બરમાં ગુજરાત સાથે ચુંટણી થવાની છે. ભાજપે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીને એક મજબુત વિરોધી તરીકે જોવાનું શરૂ કરી દીધું છે. તેલંગાણામાં ભાજપ ટીઆરએસને ટક્કર આપવાની રણનીતિ પર કામ કરી રહયો છે, કારણ કે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં, ભાજપ ટીએમસી સામે ખરાબ રીતે હારી ગયું હતું, ત્યાં બેઠા થવું મુશ્કેલ છે. ટૂંકમાં, ભાજપ હવે કોંગ્રેસને એકમાત્ર પડકાર માનતો નથી, કેમકે તે માને છે કે પ્રાદેશિક પક્ષો આગામી સામાન્ય ચૂંટણીઓમાં તેને મજબૂત લડત આપશે.
પરંતુ આ મેસેજ રાહુલ ગાંધી સુધી પહોંચ્યો નથી.
આ પણ વાંચો: 17 મે ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક; ‘સુરત ડિસ્ટ્રોયર’ અને ‘ઉદયગીરી’ યુદ્ધ જહાજ લોન્ચ કરશે