દાહોદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારનું બ્યુગલ ફૂંકતા રાહુલ ગાંધીએ ભાજપની વર્તમાન સરકાર પર સણસણતો આરોપ મૂક્યો હતો કે તે કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડા ઓછા બતાવી રહી છે. રાજ્ય સરકાર કહે છે કે ગુજરાતમાં કોરોનાથી 10 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. પણ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આમ સરકાર આંકડા છૂપાવી રહી છે.

ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખના મૃત્યુ થયા હોવાની વાત વધુ પડતી લાગી હોય તો પણ સરકારના જ રેકોર્ડ મુજબ જોઈએ તે ભાજપ સરકારનું કહેવું છે કે કોરોનાથી 10,923 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. તેની સામે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ કોરોનાથી મૃત્યુ પામેલા માટે સહાય માટેની આવેલી અરજી જ 89,000થી પણ વધુ લોકોની છે.
આમ મૃત્યુ પામેલા લોકો કરતા દસ ગણી વધુ અરજી આવી તે શું બતાવે છે. અરજીઓનું અમુક પ્રમાણ ખોટું હોઈ શકે, પણ આટલી બધી અરજીઓ તો ખોટી ન જ હોયને. ગુજરાત સરકારે પોતે જ 68,000ને સહાય મંજૂર કરી છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલાનો આંક સત્તાવાર આંકડા કરતાં ઘણો વધારે છે. આમ ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુ પામેલાઓને સહાય આપવાના બદલે તેને આંકડાકીય રમત બનાવી દીધી છે.
ફક્ત ગુજરાતની ભાજપ સરકાર જ નહી કેન્દ્રની વર્તમાન સરકાર પણ કોરોનાથી આંકડા છૂપાવવાની રમત રમી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ) પોતે જ કહે છે કે ભારતમાં કોરોનાથી સવા પાંચ લાખ લોકો નહી પણ 47 લાખથી પણ વધુ લોકો મર્યા છે. પણ દરેક બાબતમાં આંતરરાષ્ટ્રીય માપદંડને ટાંકતી વર્તમાન ભાજપ સરકાર હવે વિશ્વ વ્યાપાર સંગઠનના આંકડાની વાત આવે છે તો તેને ખોટા કહે છે, તેમની ગણતરીમાં ભૂલ હશે તેવું કહે છે. તેઓને શું ખબર નથી કે લાખોની સંખ્યામાં શબોને ગંગામાં વહેતા મૂકી દેવાયા હતા. શબવાહિની બની ગંગા ગીતનો વિવાદ થયો હતો. સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા આંકડાની માયાજાળ રચે છે. લોકોએ સરકારની આ આંકડાકીય માયાજાળમાંથી બહાર આવીને પરિસ્થિતિને સમજવી રહી. આ બતાવે છે કે વર્તમાન ભાજપ સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર આરોગ્ય સેવાઓને મોરચે કેટલી નિષ્ફળ રહી હતી.
(તસ્વીરઃ હનીફ સિંધી)