ગાંધીનગરથી વડનગરઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની એન્જિન સવારી

| Updated: July 17, 2021 5:51 pm

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે શુક્રવારે ગાંધીનગરથી વડનગર સુધી રેલવે લોકોમોટીવ એન્જિનમાં સફર કરીને નવી બનેલી બ્રોડગેજ લાઈનનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી બન્યા પછી તેઓ પહેલી વાર ગુજરાત આવ્યા હતા.

ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા લોકાર્પણ કાર્યક્રમોમાં ભાગ લેવા ઉપરાંત તેમણે રેલવે એન્જીનિયરોની કામગીરી તથા પડકારો વિશે જાણ્યું હતું. તેમણે એન્જિનિયર્સ સાથે જુદા જુદા મુદ્દે વાતચીત કરી હતી.

ગાંધીનગર તથા વડનગર રેલવે સ્ટેશને નવનિર્મિત સુવિધાઓની જાણકારી મેળવવા ઉપરાંત તેઓ ઉદઘાટન પ્રસંગે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના સ્પર્ધકોને તેઓ મળ્યા હતા અને તેમને સર્ટિફિકેટ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

ગાંધીનગર સ્ટેશને ખાસ સેલ્ફી ઝોન બનાવાયું છે જ્યાં કેન્દ્રિય તથા રાજ્ય કક્ષાના રેલવે મંત્રીઓએ સેલ્ફી પણ લીધી હતી અને પોતપોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં જ્યાં ચા વેચી હતી તે વડનગર રેલવે સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવ્યો છે.

દર્શનાબેન જરદોશે ટ્વીટ કરી હતી કે, “મને આ ઐતિહાસિક ઉદઘાટન સમારોહનો ભાગ બનવાનો અવસર પ્રાપ્ત થયો તે ગર્વની ક્ષણ છે. ગાંધીનગર રેલવે સ્ટેશન ઈજનેરી અજાયબી છે. તેનાથી મુસાફરોને આરામદાયી મુસાફરી કરવા મળશે.”

Your email address will not be published.