ગુજરાતમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે: હવામાન વિભાગ

| Updated: August 1, 2022 4:38 pm

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી પાંચ દિવસમાં રાજયમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. રાજયમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં બપોરના સમયે ઘણા વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદ શહેરમાં આજે બપોરના સમયે એકાએક વાતાવણમાં પલટો આવ્યો હતો. ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, પણ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાં પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. ઉપરાંત અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

Your email address will not be published.