ઉત્તર ગુજરાતમાં વરસાદ ત્રાટક્યોઃ પાટણ અને સિદ્ધપુર બે ઇંચમાં પાણીથી તરબતર

| Updated: July 28, 2022 12:40 pm

સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ બરોબરનો વરસ્યો છે. મોડે-મોડે પણ વરસાદ ત્રાટક્યો છે. પાટણ અને સિદ્ધપુર શહેર સહિત બનાસકાંઠા વિસ્તારોમાં ચોમાસુ બરોબર જામ્યુ છે. પાટણ, ચાણસ્મા, રાધનપુર, સમી, હારિજ, સાંતલપુર અને શંખેશ્વરમાં એક-એક ઇંચ પાણી ફરી વળ્યા છે.

સૌથી વધુ સરસ્વતી તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ચાણસ્મામાં પોણા બે ઇંચ, રાધનપુરમાં બે ઇંચ, હારિજમાં એક ઇંચ, સમી અને સાંતલપુરમાં એક-એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે શંખેશ્વરમાં દસ એમએમ વરસાદ પડ્યો છે. જિલ્લામાં વરસાદ જારી રહેતા ચારેતરફ પાણી ફરી વળ્યા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા જોવા મળી રહી છે. પાટણમાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અપરસાઇક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હોવાના લીધે પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપી દેવામાં આવી છે. તેઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જો વધારે પાણી ભરાય તો ઊંચાણવાળા વિસ્તારોમાં જવા તૈયાર રહે. તેની સાથે-સાથે એનડીઆરએફની ટીમો પણ ભારે વરસાદની ચેતવણીના પગલે સાબદી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો 68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત કુલ 207 જળાશયમાંથી 40 જળાશય સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. જ્યારે 150 જેટલા જળાશયો 60થી 70 ટકા અને બાકીના જળાશય 40 ટકાથી ઓછા ભરાયા છે.

Your email address will not be published.