સૌરાષ્ટ્રમાં વરસાદ ફરી શરૂ, ભાદરડેમના તમામ ગેટ ખોલી નાંખ્યા, 20 જીલ્લાઓમાં યેલ્લો એલર્ટ

| Updated: September 29, 2021 7:05 am

ગુજરાતમાં ભારે વરસાદની વકી સાચી પડતી જણાય છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમ ગણાતા ભાદર-1 ડેમના તમામ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા છે. ભાદર-1 ડેમના 29 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવતા પાણીની જાવક વધીને 57400 ક્યુસેક થઈ ગઈ છે. આ સાથે જ ભાદરની આસપાસના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે વધુ વરસાદથી આસપાસના ગામોને અસર થઈ શકે છે.

રાજકોટમાં મોડી રાતથી વરસાદ ચાલુ છે. રાજકોટ જીલ્લાનો મોજીરા ગામ પાસેનો ડેમ આ સીઝનમાં બીજીવાર છલોછલ થઈ ગયો છે. ઉપરવાસમાં પાણીની ભારે આવકને પગલે ડેમના દરવાજા ખોલી દેવાયા છે. મોજ ડેમના 17 દરવાજા 4 ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે. ડેમમાં 17944.67 ક્યુસેક પાણીની આવક સામે જાવક નોંધાઈ છે.

મોજ નદીના કાંઠાના ઉપલેટા સહિત તાલુકાના સેવંત્રા, ગઢાળા, ખાખીજાળીયા, કેરાળા, નવાપરા, વાડલા, મોજીરા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના અપાઈ

આ તરફ જેતપુરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. જેતપુર હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી સાચી પડી છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા જેતપુર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે આ પાછોતરો વરસાદ ખડૂતો માટે આફતરૂપ છે. ખરીફ પાક માટે આ વરસાદ નુકસાનકારક હોવાથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

વડીયા સુરવોડેમની વાત કરીએ તો સુરવોમાં પણીની આવક સતત વધતા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. પાણીની સપાટી વધતા ડેમના દરવાજાઓ બે-બે ફૂટ ખોલી પાણીની જાવક શરૂ કરાઇ છે.

અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી હતી. રાજ્યના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ભાવનગર, અમરેલી, આણંદ અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યના 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રને સાબદુ કરી દેવામાં આવ્યું છે. તેમજ આફત નિવારણ માટેની આગોતરી તૈયારીઓ કરવા સૂચન કરાયું છે. 

Your email address will not be published. Required fields are marked *