ભારતના રાષ્ટ્રપતિએ આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની (Rajiv Kumar) નિમણૂક કરી છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટર પર માહિતી આપી છે કે રાજીવ કુમાર 15મી મે, 2022થી મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યભાર સંભળશે. રાજીવ કુમાર 2022માં છેલ્લી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજનાર સુશીલ ચંદ્રાનું સ્થાન લેશે.
કાયદા મંત્રીએ ટ્વીટ કર્યું કે, “બંધારણના અનુચ્છેદ 324ની કલમ (2)ના અનુસંધાનમાં, રાષ્ટ્રપતિ શ્રી રાજીવ કુમારને 15મી મે, 2022થી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરતાં ખુશ છે. શ્રી રાજીવ કુમારને મારી શુભેચ્છાઓ.”
રાજીવ કુમાર (Rajiv Kumar) 1 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે જોડાયા હતા. ચૂંટણી પંચમાં ચાર્જ સંભાળતા પહેલા, કુમાર જાહેર સાહસ પસંદગી બોર્ડના અધ્યક્ષ હતા. રાજીવ કુમાર ભારતીય વહીવટી સેવા બિહાર/ઝારખંડ કેડર 1984 બેચના અધિકારી પણ છે, અને ફેબ્રુઆરી 2020 માં ભારતીય વહીવટી સેવામાંથી નિવૃત્ત થયા હતા.
આ પણ વાંચો: રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદે પરત ફરવા અંગે વિચાર કરવા માટે તૈયાર
રાજીવ કુમારે ભારતીય રિઝર્વ બેંક (RBI), એસબીઆઈ, નાબાર્ડના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. તેઓ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલ (EIC), નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) ના સભ્ય રહ્યા છે. બેંક બોર્ડ બ્યુરો (BBB) અને સમિતિઓમાં નાણાકીય ક્ષેત્ર નિયમનકારી નિમણૂક શોધ સમિતિ (FSRASC) ના સભ્ય પણ હતા.