રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસની સાથે શહેરમાં એક્ટિવ કેસનો આંકડો પણ વધ્યો છે. રાજકોટમાં દર એક કલાકે 15થી વધારે લોકો પોઝિટિવ આવી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધી રહેલા કેસને લઈ લોકોમાં ફરી એકવાર ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે રાજકોટમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા શહેરમાં 7 ટેસ્ટિંગ ડોમ શરુ કરવામાં આવ્યા છે.
જો કે, હાલ રાજકોટમાં હોસ્પિટલ દાખલ થવાની દર્દીઓની સંખ્યા ઓછી છે. આ સાથો સાથ મહાનગરમાં આજ સુધીના પોઝીટીવ કેસનો આંકડો 45,737 થઇ ગયો છે. આ પૈકી 94.85 એટલે કે 43,299 દર્દીઓ સ્વસ્થ પણ બની ગયા છે. છેલ્લા દિવસોમાં વધારવામાં આવેલા ટેસ્ટીંગ સાથે કુલ ટેસ્ટનો આંકડો 15.90 લાખ થઇ ગયો છે.