રાજકોટ ડ્રગ્સકાંડઃ યુવા ક્રિકેટર પૂર્વ પત્ની સાથે હોટલમાં એમડી ડ્રગ્સ લેતો ઝડપાયો

| Updated: October 22, 2021 5:36 pm

ઘર છોડીને ભાગી ગયેલા પુત્રને શોધવામાં અને ડ્રગ્સના રેકેટને પકડી પાડવાનું સફળ ઓપરેશન રાજકોટ પોલીસે પાર પાડ્યું છે. પીડિત માતાનો પુત્ર આકાશ અને પૂર્વ પત્ની અમીની SOG પોલીસે ડ્રગ્સના ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે આકાશ, અમી અને નદીમ સહિત 6 ડ્રગ પેડલરની પણ અટકાયત કરી છે. રાજકોટ પોલીસે તમામને રેસકોર્ષ રોડ પરની એક હોટલમાંથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી ડ્રગ્સ આપવાના ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. યુવા ક્રિકેટરને ડ્રગ્સની લત લાગી જતા આખરે માતાએ મદદ માટે પોલીસના દ્વાર ખખટાવ્યા હતા. 

રાજકોટમાં ડ્રગ્સના રવાડે ચઢેલો 27 વર્ષીય યુવાન પોતાના ઘરે એક ચિઠ્ઠી લખીને ઘર છોડી નાસી છૂટવાની ઘટના બની હતી. યુવાનની માતાએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે. પુત્ર ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો. તેમના પુત્રને ડ્રગ્સની લત લાગેલી છે. મે ડ્રગ માફિયાઓની માહિતી પોલીસને આપવા છતા આજદિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મારે હવે ન્યાય જોઈએ છે. આ ઘટનાની માહિતી મળતા રાજકોટ SOG પોલીસની ટીમ એક્શનમાં આવી હતી.

ક્રિકેટરની માતા

રાજકોટ પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને તેની પત્ની સાથે પકડી પાડ્યો હતો. આ વિશે રાજકોટના ઝોન-2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાની ફરિયાદ બાદ તેમનો પુત્ર અને પુત્રવધુ ડ્રગ્સ એડિક્ટ થયા હોવાની રજૂઆત મળતા તપાસ હાથ ધરી હતી. અરજી મળતા જૂન મહિનામાં જ SOG દ્વારા તપાસ કરાઈ હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમે આકાશ અને અમીની ધરપકડ કરી છે. તેમની પાસેથી શંકાસ્પદ પદાર્થો પણ મળી આવ્યા છે, જેને FSLમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્ય ડ્રગ પેડલર સુધા ધમેલીયાની પણ અગાઉ ધરપકડ કરી હતી. ડ્રગ્સ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. પીડિત માતાનો પુત્ર 2015 થી ડ્રગ્સ લઈ રહ્યો છે. માતા સાથે ડ્રગ્સ બાબતે બે દિવસથી માથાકૂટ થતા ઘર છોડીને જતો રહ્યો હતો. તે પૂર્વ પત્ની અમી સાથે હોટલમાં હતો. આકાશે ડ્રગ્સના ઇન્જેક્શન લીધા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. ઇન્જેક્શન તેની પત્ની અમી દ્વારા આપવામાં આવ્યા હોવાનું પણ આકાશે કબૂલ્યું હતું. આ સાથે જ ક્રિકેટરની માતાની અરજી બાદ 10 દિવસની અંદર ડ્રગ પેડલર સુધા ધામેલિયાની પણ ધરપકડ થઇ છે.

પોલીસ તપાસમાં આવ્યું છે કે ક્રિકેટર યુવાનને તેની પત્ની સાથે ઝઘડો થતા યુવાને તેની પત્ની સાથે છૂટાછેડા લીધા હતા અને બાદમાં તે રાજકોટ છોડી બહાર ચાલ્યો ગયો હતો. બાદમાં થોડા સમય બાદ ફરી રાજકોટ પરત આવતા યુવાને ડ્રગ લેવાનું શરૂ કરી દીધું હતું અને આ ડ્રગની આદત જરૂરિયાત બની ગઈ હતી. રાજકોટ પોલીસે ડ્રગ્સના જે નેટવર્કની તપાસ કરી તેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજકોટમાં એમ.ડી ડ્રગ્સ જામનગરથી સપ્લાય કરવામાં આવે છે. જોકે તપાસ દરમિયાન હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઇ શકે છે.

Your email address will not be published. Required fields are marked *