સંપૂર્ણ દારૂબંધી ઘરવતા ગુજરાત રાજ્યમાં દારૂની હેરફેર અને તેનું વેચાણ ખુલ્લેઆમ થાય છે. રાજકોટમાં (Rajkot) આજે પણ દારૂ સરળતાથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જયાં ગુરુવારે સાંજે નશામાં ધૂત મકાન માલિકે બે વર્ષના બાળકને ઈંગ્લીશ દારૂ પીવડાવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળક બેભાન થઈ જતાં તેને કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના રાજકોટના મીરા ઉદ્યોગ નગર વિસ્તારની છે, જ્યાં એક પરિવાર લગભગ 10 દિવસ પહેલા ભાડે રહેવા આવ્યો હતો. જ્યાં ગઇકાલે રાત્રે મકાન માલિક વનરાજે તેમને જમવાનું બનાવવા કહ્યું હતું, ત્યારે બાળકની માતા રસોઈ કરવા ચાલી ગઈ હતી. ત્યારબાદ મકાન માલિક વનરાજ સાંજે દારૂ પીતો હતો. આ સમયે ત્યાં માસુમ બાળક આવી જતાં તેને દારૂ પીવડાવ્યો હતો.
પિતાએ જોઈ જતાં બાળકના મોઢે માંડેલો ગ્લાસ પાછો ખેંચી લીધો જેથી દારૂ બાળકના શરીરે ઢોળાઈ ગયો હતો. પણ બાળકના બેભાન થતા તેને રાજકોટ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે. આ અંગે થોરાડા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
બાળકનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પ્રોહિબિશનનો ગુનો નોંધવા બાબતે નિર્ણય લેવામાં આવશે. થોરાડા પોલીસ દ્વારા મકાન માલિકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. અને મકાનની જડતી પણ લેવામાં આવશે જેથી કરીને કોઈ ગેરકાયદે વસ્તુ મકાનમાં પડી છે તે પણ જાણી શકાશે.
આ પણ વાંચો: દારૂબંધી કાયદોઃ દોઢ વર્ષમાં અઢી લાખ પકડ્યાનો દાવો કરતી ગુજરાત પોલીસ