રાષ્ટ્રયજ્ઞના ઋત્વિજ ડો.હેડગેવાર : સ્મૃતિદિવસ પર વ્યક્તિ પરિચય

| Updated: June 26, 2021 6:50 pm

સંબોધન જરા અઘરું છે પણ છેક 1925થી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અર્થાત આર.એસ.એસ.નું બીજ રોપાયું અને આજે વટવૃક્ષ બનીને ભારતની રાજનીતિ-સમજનીતિ પર પ્રભાવ પાડી રહ્યું છે તે દ્રષ્ટિએ આ સંબોધન અનુચિત નથી. આજ સુધીમાં હિન્દુ વિચાર અને સંગઠનના ઘણા પ્રયત્ન થયા. આદિ શંકરાચાર્ય દેશના ચાર છેડે પીઠ સ્થાપી એ સંગઠનનો જ એક ભાગ હતો. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનનો વિચાર મૂક્યો અને તે પૂર્વે ગુરુ ગોવિંદસિંહે ખાલસા સ્થાપના કરી. આધુનિક ભારતના રાજકારણમાં આવો પ્રયોગ હિન્દુ મહાસભા અને રામરાજ્ય પરિષદનો હતો. પરંતુ એક વ્યાપક અને રોજેરોજની “શાખા”માં મળતા આબાલ વૃદ્ધના સંગઠન તરીકે તો આર.એસ.એસ જ અસ્તિત્વમાં રહ્યું અને તેની સંખ્યા તેમજ વિચાર વધતાં જાય છે. 60 જેટલા અન્ય સંસ્થા સંગઠનો આ વડલાની વડવાઈઑ છે. વિદેશોમાં પણ હિન્દુ સ્વયંસેવક સંઘના નામે સક્રિય છે.

ડો.કેશવ બલિરામપંત હેડગેવારની જન્મભૂમિ આંધ્ર પ્રદેશના નિઝામાબાદ જિલ્લાના બોધિન તાલુકાનું નાનકડું ગામ કંદકુર્તિ. કર્મકાંડી વિદ્વાન પરિવાર. મુઘલ સલ્તનત સમયે બધા નાગપુર આવીને વસી ગયા. બલિરામ પ્ંત અને રેવતિબાઈને છ સંતાનો, કેશવ પાંચમા.1889 એપ્રિલ અને શક સંવત 1811ની  વર્ષ પ્રતિપદા ,ચૈત્ર શુક્લ એકમ તેમનો જેએનએમ. વિદ્યાનું વાતાવરણ. પહેલા વેદ શાળા, પછી નિલસિટી શાળા. 1897ના જૂન મહિનામાં મહારાણી વિક્ટોરિયાના જ્ન્મ દિવસની ઉજવણીમાં મેવા મીઠાઇ વિદ્યાર્થીઓને વિતરિત કરાયા. કેશવે ના પાડી દીધી. એક દિવસે સિતાબર્ડી કિલ્લા પર યુનિયન ધ્વજની જગ્યાએ ત્યાં ભગવો ધ્વજ ફરકાવવા સુરંગ ખોદી, મરકીના રોગમાં માતા-પિતા અવસાન પામ્યા કેશવરાવ સોળમાં વર્ષે ક્રાંતિકારોના સંપર્કમાં આવ્યા, તેમાં ડો. પાંડુરંગ ખાનખોજે પણ હતા. મુંજે પણ ખરા. સ્વદેશ બાંધવ સંગઠન રચાયું. લોકમાન્ય તિલક નાગપુર આવ્યા અને વ્યાખ્યાન આપ્યું તે કેશવરાવના ચિત્તમાં સ્થાપિત થયું.

નાગપુરથી વધુ અભ્યાસ માટે તે કોલકાતા પહોંચ્યા. નેશનલ મેડિકલ કોલેજમાં દાખલ થયા. બંગાળ ત્યારે ક્રાંતિની છાવણી બની ગયું હતું. કેશવરાવ પણ ઐતિહાસિક સંગઠન અનુશીલન સમિતિમાં જોડાયા. ત્રૈલોકયનાથ ચક્રવર્તી અખંડ બંગાળના પ્રભાવી રાષ્ટ્રીય નેતા હતા. તેમની સાથે કેશવરાવ જોડાયા. શ્યામસુંદર ચક્રવર્તી દેશનિકાલની સજા પામ્યા તેમના પરિવારની જવાબદારી કેશવ રાવે લીધી. ત્યાં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. એક તરુણ ક્રાંતિકારની આત્મહુતિના કેશવરાવ સાક્ષી, ત્યારથી જ તેમણે લાગ્યું કે પ્રભાવી દેશસેવા માટે શું કરવું જોઈએ? દરમિયાન 1914 માં  ડોક્ટરની પદવી મેળવી. પરિવારને ના પાડી દીધી કે લગ્ન કરવાનો મારો કોઈ વિચાર નથી. નાગપુરમાં ‘નરેંદ્ર મંડળ’ સ્થાપ્યું. કામ દેશભક્તિના કાર્યક્રમોનું. હોમરૂલ લીગનું કામ પણ માથે લીધું. કોંગ્રેસનું 1920 નું અધિવેશન નાગપુરમાં યોજાયું તેની વ્યવસ્થા કેશવરવ અને મિત્રોએ જ કરી. તિલક મહારાજના અવસાન પછી ઉત્તર યોગી શ્રી અરવિંદને મળવા પુદુચેરી ગયા. નાગપુર અધિવેશન પછી અસહકારની ચળવળમાં ભાગ લીધો, સત્યાગ્રહો કર્યા. આઝાદીના આ આંદોલનમાં એક વર્ષની મજૂરી સાથેની સજા થઈ. 1922માં  છૂટયા એટ્લે વળી સ્વાતંત્ર્ય લક્ષ્મીની જય હો ! પણ ગાંધીજીની  ખિલાફત આંદોલનને ટેકો આપતી ચળવળ ઘણાને ના ગમી, મુસ્લિમોને રાજી રાખવા શરૂ કરાયેલા આ આંદોલનને ખુદ મોહમ્મદઅલી ઝીણાએ વખોડી કાઢ્યું. સાવરકરે ખિલાફતને આફત કહી.પ્રગતિશીલ તુર્કી નેતા કમાલ પાશાની સામે કટ્ટર મુસ્લિમ નેતા ખલીફા માટે લડી રહ્યા હતા, છેવટે આ લડત તો તૂટી પડી પણ ભારતમાં પાન -ઇસ્લામનો નારો કામ કરતો થઈ ગ્યો જેને કારણે ભવિષ્યે ભાગલાનું નસીબ આવ્યું.

1925 માં  ઘેરા વિચારમંથન અને અનેકોની સાથે વિચાર વિમર્શ પછી બીજ રોપાયું તે ડો. હેડગેવારજીણું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ. વિજયાદશમીએ પચીસ સાથીઓની સંગાથે પ્રારંભ. ના મોટું ઘોષણાપીટીઆર, ના કોઈ જાહેરાત, ના સભ્યપદની ફી, ના હોદ્દેદારો… બસ , મેદાનમાં એકઠા થાઓ, ખૂબ રમો, શિસ્ત જાળવો, ભારતના ઈતિહાસને મહાપુરુષોને યાદ કરો અને અંતે ભગવા ધ્વજ સમક્ષ ઊભા રહીને પ્રાર્થના કરો:નમસ્તે સદા વત્સલે,  માતૃભૂમે ત્વયા હિંદુભુમે…. સ્પષ્ટ છે કે પહેલા ચારિત્રવાન અનુશાસન બદ્ધ હીણું સમાજનો વિચાર કરો. વર્ધા સંઘ શાખામાં ગાંધીજી આવ્યા ત્યારે સ્વયં સેવકોને પૂછ્યું કે આમાં સવર્ણ કોણ છે, દલિત કોણ? ત્યારે જવાબ મળ્યો:અમે આવું વિચાર્યું જ નથી. બધા હિન્દુ છીએ. બીજા દિવસે ડો. હેડગેવાર સાથે તેમની મુલાકાત થઈ. નેતાજી સુભાષ પણ મળવા આવ્યા ત્યારે ડોક્ટર બીમાર હતા. 1938 પુણે શિબિરમાં ડો. આંબેડકર આવ્યા અને કહ્યું; અસ્પૃશ્યતા નાબૂદ કરવાનું આવું કામ આ પહેલા મે ક્યાંય જોયું નથી. 21 જૂન, 1940 તેમનું અવસાન થયું અને તેવા જ પ્રભાવી સરસંઘ ચાલક શ્રી માધવરાવ સદાશિવ રાવ ગોલવલકર (શ્રી ગુરુજી) અનુગામી મળ્યા. આ ગતિ અને સાતત્ય જારી છે.

વિષ્ણુ પંડ્યા -પદ્મશ્રી, ઇતિહાસ સંશોધક

Your email address will not be published.