એનસીપીના વડા શરદ પવારે શનિવારે કહ્યું હતું કે સામાન્ય લોકોને મદદરુપ થતી શહેરી સહકારી બેંકો પ્રત્યે રિઝર્વ બેંકનું વલણ યોગ્ય નથી. તેમણે કેન્દ્ર સરકારને આ અંગે યોગ્ય પગલાં લેવા પણ અનુરોધ કર્યો હતો.
પવારે જણાવ્યું હતું કે, સામાન્ય લોકો રાજ્ય દ્વારા સંચાલિત બેંકો કરતાં સહકારી બેંકો પર વધુ ભરોસો કરે છે અને આ બેંકો સુધી તેઓ આસાનીથી પહોંચી શકે છે. પરંતુ રિઝર્વ બેંક સહકારી બેંકો માટે અનુકૂળ દૃષ્ટિકોણ ધરાવતી નથી. કેન્દ્રીય નાણાં મંત્રાલયે તેની નોંધ લેવી જોઈએ. પવારે મહારાષ્ટ્રના નાંદેડમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્રના લોકો આવું અનુભવે છે.
પવારે જણાવ્યું હતું કે મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રનાં બીડ અને જાલના વિસ્તારોમાં શેરડીનું વધારે ઉત્પાદન થયું છે. જેને ધ્યાનમાં રાખીને, સરકારે સુગર ફેક્ટરીઓને સૂચના આપી છે કે જ્યાં સુધી શેરડી સંપૂર્ણપણે (ક્રશિંગ માટે) લેવામાં ન આવે ત્યાં સુધી તેમણે કામ બંધ કરવું ન જોઈએ.
પવારે કહ્યું હતું કે કેન્દ્રએ ઇંધણના ભાવમાં ઘટાડો કરવાની માગણી પર વિચાર કરવો જોઈએ કારણ કે મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવતું રાજ્ય છે.