રાજયમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ શહેરમાં બે દિવસથી પારો 47 ડિગ્રી નોંધાતા લોકો કામ વિના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરી છે. અમદાવાદમાં ફરી વાર બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરાઇ છે. જો કે, કાળઝાળ ગરમીને કારણે રાજયના ઘણા વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી કરાઈ છે. ઉત્તરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો થશે.
અમદાવાદ શહેરમાં ગત પારો 47 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે અમદાવાદમાં 45.8 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે. આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, ગરમીના પારામાં બે ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. હાલમાં સાઈક્લોનની કોઈ જ અસર નથી જોવા મળી રહી. જો કે પવનની દિશાના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ આવતું રહેશે.