વડોદરામાં ડોક્ટર બેંકરની હોસ્પિટલ અને નિવાસસ્થાને ઇન્કમટેક્સની રેડ, બિનહિસાબી 1.90 કરોડની રોકડ મળી આવી

| Updated: June 11, 2022 7:24 pm

વડોદરામાં જાણીતા ડોક્ટર દર્શન બેંકર્સની જુના પાદરા રોડ સહિત હોસ્પિટલો અને તેઓના નિવાસસ્થાને છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમટેક્સ વિભાગે લાલ આંખ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરોડામાં બિનહિસાબી 1.90 કરોડ રુપિયાની રોકડ મળી આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના જુના પાદરા રોડ ઉપર આવેલી બેંકર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ઉપરાંત તેની વારસીયા રીંગ રોડ અને માંજલપુર ખાતે આવેલી હોસ્પિટલો તેમજ હોસ્પિટલના સંચાલક ડો. દર્શન બેંકરના વાસણા-ભાયલી રોડ ઉપર આવેલા નિવાસ સ્થાન ખાતે સર્ચ-દરોડોની કામગીરી ચાલી રહી છે. દરોડાની કામગીરી દરમિયાન બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કરી તપાસ શરૂ કરવામાં આવી રહી છે. લોકરો ખૂલ્યા બાદ દરોડા દરમિયાન આવકવેરા વિભાગ દ્વારા બેંક એકાઉન્ટો, બેંક લોકરો સીઝ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. બેંક લોકરો ખોલાયા બાદ મોટા પાયે સોનુ તેમજ રોકડ મળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

આ ઉપરાંત આવકવેરા વિભાગને સર્ચ-દરોડા દરમિયાન જમીનોની વિગતો મળી આવી હતી. આવકવેરા વિભાગે જમીન ખરીદીને લગતા કેટલાંક દસ્તાવેજો કબજે કરી તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. આજે પણ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ-દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. દરોડાની કામગીરીના અંતે કરોડો રૂપિયાની બેનામી આવક મળી આવે તેવી પણ શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન કોર્પોરેશન દ્વારા નક્કી કરેલા ભાવ કરતાં પણ મનસ્વી રીતે કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરનાર શહેરની અનેક હોસ્પિટલો વિવાદમાં આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા શહેરની અન્ય હોસ્પિટલોમાં પણ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બનામી આવક બહાર આવવાની શક્યતાઓ છે. શહેરની બેંકર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડાને પગલે શહેરની કોરોનામાં ઉઘાડી લૂંટ ચલાવનાર કેટલીક હોસ્પિટલોના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Your email address will not be published.