રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરશે

| Updated: January 13, 2022 2:08 pm

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) અને અદાણી જૂથે ગુજરાતમાં મેગા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તૈયાર કર્યા છે. જેમાં આરઆઇએલ (Reliance) દ્વારા નવા એનર્જી બિઝનેસ વર્ટિકલ માટે રૂ. 5 લાખ કરોડનું રોકાણ અને અદાણી જૂથ દ્વારા કોરિયન કંપની પોસ્કો સાથે સંયુક્ત સાહસમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાનો સમાવેશ થાય છે.

ગૌતમ અદાણી (Adani) દ્વારા સંચાલિત અદાણી જૂથે બુધવારે ગુજરાતમાં સ્ટીલ ઉત્પાદન માટે કોરિયન કંપની પોસ્કો સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

અદાણી (Adani) પોર્ટ્સ અને એસઇઝેડના સીઈઓ કરણ અદાણીએ પોસ્કોના સીઈઓ સાથે ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા રૂ. 37,500 કરોડના રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. બુધવારે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કરાર કરાયા હતા તેમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

ગુરુવારે, આરઆઈએલના સિનિયર અધિકારીઓ કુલ રૂ. 5. 67 લાખ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરે તેવી શકયતા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance) રાજ્યમાં હાઇડ્રોકાર્બન ઇકોસિસ્ટમ સ્થાપવા માટે રૂ. 5 લાખ કરોડનું રોકાણ કરવા માગે છે. જ્યારે સોલર પ્રોજેક્ટ માટે રૂ. 60,000 કરોડનું રોકાણ કરાશે. આરઆઇએલ આ ઉપરાંત ત્રીજો એમઓયુ જીયો (Jio) માટે કરશે જેમાં ગુજરાતમાં વધુ રૂ. 7,000 કરોડનું રોકાણ કરવાની યોજના છે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે  સોલર પ્રોજેક્ટ માટે કચ્છમાં જમીન માંગી છે. બંને પ્રોજેક્ટ રાજ્યની ઔદ્યોગિક નીતિની મેગા સ્કીમ હેઠળ સ્થપાશે.

આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીએ જૂન 2021માં યોજાયેલી એજીએમમાં નવા એનર્જી બિઝનેસ વર્ટિકલ માટે આગામી વર્ષોમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે તે ગ્રીડમાંથી ઉર્જાનો સંગ્રહ કરવા માટે સંકલિત સોલર પીવી મોડ્યુલ, ઈલેક્ટ્રોલાઈઝર, ફ્યુઅલ સેલ અને બેટરી બનાવવા માટે ચાર ‘ગીગા ફેક્ટરી’ સ્થાપવા  રૂ. 60,000 કરોડનું રોકાણ કરશે.

જામનગરમાં 5,000 એકરમાં નવા ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં આ પ્લાન્ટ સ્થપાશે.  2030 સુધીમાં 100 ગીગા વોટ  સૌર ઊર્જાના લક્ષ્ય સાથે સોલર પાવરમાં પ્રવેશવાની કંપનીની યોજના છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અગાઉ સૌર ઊર્જાના ઉત્પાદન માટે એક ઇન્ટિગ્રેટેડ સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી હતી.

Your email address will not be published.