ભારતને વૈશ્વિક ફલક પર રમતગમતનું પાવરહાઉસ બનાવવા રિલાયન્સની IOA સાથે ભાગીદારી

| Updated: July 28, 2022 3:55 pm

મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસીએશને (IOA) આજે ભારતીય એથ્લિટ્સના પ્રદર્શનને બહેતર બનાવવા, રાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ ફેડરેશનોને મદદ પૂરી પાડવા અને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ રમતોત્સવની યજમાની કરવાની નેમ સાથે ભારતને રમત ગમતમાં વૈશ્વિક ફલક પર અદકેરું સ્થાન અપાવવા માટે લાંબા ગાળાની ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ RIL અને IOA પેરિસ ખાતે વર્ષ 2024માં યોજાનારા ઓલિમ્પિક્સમાં પહેલીવાર ઇન્ડિયા હાઉસ તૈયાર કરશે.

IOAના મુખ્ય ભાગીદાર તરીકે RIL કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ ગેમ્સ સહિતની મહત્વની મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટ્સમાં ભારતીય એથ્લેટ્સને મદદ પૂરી પાડશે. ઉપરાંત, ઓલિમ્પિક હોસ્પિટાલિટી હાઉસ એ રમતોની પરંપરા છે અને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રથમ ઓલિમ્પિક હાઉસ એ એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહેશે. ઘરથી દૂર આ ઘરની સ્થાપના કરવી અને વિશ્વ સ્તરની રમતગમતની ટોચની ઇવેન્ટમાં ભારતને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવું એ ઓલિમ્પિક ચળવળ પ્રત્યે RILની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ છે.

IOCના સભ્ય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું કે, “ભારત વૈશ્વિક ક્ષેત્રે રમતગમતમાં કેન્દ્ર સ્થાને બિરાજે તે અમારું સપનું છે. IOA સાથેની અમારી ભાગીદારી રિલાયન્સ ફાઉન્ડેશનની વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને તકો દેશભરના યુવા રમતવીરોને સમર્થન અને તેમનું સશક્તિકરણ કરવાની ઊંડી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. અમે 2024માં પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સૌપ્રથમવાર ઈન્ડિયા હાઉસની યજમાની કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છીએ. ઇન્ડિયા હાઉસ ભારતની અપાર પ્રતિભા, ક્ષમતા અને આકાંક્ષાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે!”

IOAના સેક્રેટરી જનરલ શ્રી રાજીવ મહેતાએ કહ્યું કે, “ભારતીય ઓલિમ્પિક એસોસીએશન સાથેની આ ભાગીદારી માટે અને ભારતીય રમતોને ટેકો આપવા તથા બાળકોની આગામી પેઢીને ઓલિમ્પિક ચળવળમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં વર્ષોથી સતત સમર્થન આપવા બદલ હું રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને શ્રીમતી નીતા અંબાણીનો આભાર માનું છું. પેરિસ 2024માં ઇન્ડિયા હાઉસ હોવું એ એક મહત્વપૂર્ણ પ્રસંગ હશે. ઓલિમ્પિક ચળવળ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવવામાં આ એક મોટું પગલું છે.”

પેરિસ 2024 ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ભારત જૂન 2023માં મુંબઈમાં અત્યાધુનિક જિયો વર્લ્ડ સેન્ટર ખાતે 140માં પ્રતિષ્ઠિત IOC સત્રનું પણ આયોજન કરશે. IOC સત્ર આપણી આઝાદીના 75મા વર્ષ સાથે પણ સુસંગત છે, તે ભારતમાં રમતગમતની ભૂમિકા પર પ્રકાશ પાડશે અને ઓલિમ્પિક ચળવળમાં ભારતના યોગદાનની ઉજવણી કરશે. મે 2022માં ભારતનો પ્રથમ ‘ઓલિમ્પિક વેલ્યૂ એજ્યુકેશન પ્રોગ્રામ’ (OVEP) ઓડિશામાં શરૂ કરવામાં આવ્યો હતો, જે ઓલિમ્પિઝમના મુખ્ય મૂલ્યોને સ્થાપિત કરવા માટે શિક્ષણ અને રમતગમતની સંયુક્ત શક્તિનો ઉપયોગ કરે છે. OVEP એ IOC દ્વારા યુવાનોને શ્રેષ્ઠતા, આદર અને મિત્રતાના ઓલિમ્પિક મૂલ્યોનો પરિચય કરાવવા માટે રચાયેલા સંસાધનોનો વ્યવહારુ સમૂહ છે. આ કાર્યક્રમનો હેતુ બાળકોને સક્રિય, સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનવામાં મદદ કરવા માટે મૂલ્યો આધારિત આ અભ્યાસક્રમનો પ્રસાર કરવાનો છે.

ઓલિમ્પિક હોસ્પિટાલિટી હાઉસ વિશેઃ

વિશ્વભરના રાષ્ટ્રો ઓલિમ્પિક રમતો દરમિયાન તેમની ઓલિમ્પિક ચળવળની ભાગીદારીને મજબૂત બનાવે છે, સત્તાવાર ઓલિમ્પિક હોસ્પિટાલિટી હાઉસ લાખો ચાહકો અને પ્રવાસીઓને જે તે દેશના રમતો પ્રત્યેના દૃષ્ટિકોણ અને દેશ વિશેની સમજ આપે છે અને અધિકારીઓ, ખેલાડીઓ તથા તેમના પરિવારજનો અને જાહેર જનતાને એક તાંતણે બાંધવાના માર્ગ તરીકે પણ કામ કરે છે. વર્ષ 2016ના રિયો ઓલિમ્પિકમાં 50થી વધુ રાષ્ટ્રોએ તેમના દેશના વિશિષ્ટ હોસ્પિટાલિટી હાઉસની સ્થાપના કરી હતી, જેમાં તેમના દેશના સાંસ્કૃતિક અને રમતગમતના ઇતિહાસનું સંયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2024 પેરિસ ઓલિમ્પિકમાં ભારતને તેનું પ્રથમ હાઉસ મળશે.

Your email address will not be published.