જટા હલકારાનું ધર્મસ્થાનઃ બહેનની આબરુ બચાવવા પ્રાણ ન્યોછાવર કરનારા ટપાલીનું મંદિર

| Updated: July 1, 2021 8:05 pm

મંદિર તો તમે ઘણા જોયા હશે. ઘણા દેવી-દેવતાઓના અલગ અલગ ધર્મસ્થાન હોય છે, પરંતુ શું તમે કોઈ ટપાલીનું મંદિર જોયું છે?

ભાવનગર-રાજકોટ હાઈવે ઉપર બજુડ ગામના પાટિયે એક ટપાલીનું મંદિર છે જેની પાછળ એક ઐતિહાસિક વીરગાથા રહેલી છે.

આસપાસના વિસ્તારના લોકોમાં આ ટપાલી પ્રત્યે શ્રદ્ધા હોવાથી અહીં પૂજા-અર્ચના પણ થાય છે. આ ટપાલી એટલે જટો હલકારો. અગાઉના સમયમાં ટપાલીનું કામ કરનારા લોકોને હલકારા તરીકે ઓળખવામાં આવતા હતા. જટા હલકારો વિશે વિખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણીએ વાર્તા પણ લખેલી છે. કહેવાય છે કે જટા હલકારાએ ધર્મની માનેલી બહેનની આબરૂ બચાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા.

અગાઉ અહીં જટા હલકારાની નાનકડી દેરી બનાવીને ત્યાં પૂજા-પાઠ કરવામાં આવતા હતા. પરંતુ અત્યારે મોટું મંદિર બનાવી દેવામાં આવ્યું છે. ભાવનગરથી રાજકોટ હાઇવે ઉપર સિહોર, સોનગઢ બાદ બજુડ ગામનું પાટિયું આવે છે. હાઈવે ઉપર વળાંકમાં જ ટપાલી જટા હલકારાનું મંદિર છે, જે ભાવનગરથી 40 કિલોમીટરનું અંતર થાય છે.

લોકકથા મુજબ વર્ષો અગાઉ એક રાત્રે આ વિસ્તારમાં એક દંપતી ચાલ્યું જતું હતું. તે પૈકીની મહિલા જટા હલકારના ગામના હોવાથી જટાએ તેમના ખબરઅંતર પૂછ્યા અને આગળ ચાલવા લાગ્યા.

થોડે આગળ પહોંચતા જ તે દંપતી ઉપર લૂંટારું ત્રાટકયા. હલકારાએ ધર્મની બહેનનો અવાજ સાંભળીને પાછા ફરી તેમનો સામનો કર્યો હતો. જટાએ બહેન-બનેવીને તો બચાવી લીધા, પરંતુ પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. ત્યારબાદ ધર્મની માનેલી બહેને પણ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો હતો એવું કહેવામાં આવે છે.

આ ઘટનાને વર્ષો વીતી ગયા હોવા છતાં આસપાસના ગામના લોકો જટાભાઈની ખાનદાનીને ભૂલી શક્યા નથી. તેથી તેઓ પૂજનીય ગણાય છે. તેમની યાદમાં અહીં ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને પરગણામાં તેમને નમન કરવામાં આવે છે.

અહીં નિયમિત દર્શને આવતા એક શ્રદ્ધાળુ મલય વ્યાસે જણાવ્યું કે, “અમારા માટે આ સ્થળ શ્રદ્ધાનું કેન્દ્ર છે. જટાભાઈ ભલે માત્ર ટપાલી હોય, પરંતુ તેમનું કાર્ય ભગવાનના કાર્ય સમાન છે. અહીંથી નીકળવાનું થાય ત્યારે હું અવશ્ય તેમના દર્શને જાઉં છું. મારી જેવા અનેક શ્રદ્ધાળુઓ તેમના દર્શનનો લાભ મેળવે છે.” મંદિરના પૂજારી ભગત બાપૂ જણાવે છે કે આ એક જીવંત ધર્મસ્થાન છે. અહીં બહેનની રક્ષા માટે પોતાના પ્રાણ ત્યજી દેનારા જટાભાઈની ચેતના હંમેશાં અમને બળ આપે છે. દર્શનાર્થીઓ તેમના પવિત્ર જીવનને જાણી શકે તે માટે અહીં તેમનો સંક્ષિપ્ત ઈતિહાસ પણ લખવામાં આવ્યો છે.

જિજ્ઞેશ ઠાકર, ભાવનગર

Your email address will not be published.