આ વર્ષે ભારતનાં લગભગ આઠ હજાર ધનિક લોકો દેશ છોડે તેવું અનુમાન છે.જે ગત વર્ષ કરતા 14 ટકા વધારે છે. આ દર્શાવે છે કે ધનિક લોકોમાં દેશ છોડવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ગ્લોબલ સિટિઝનશિપ પ્લાનિંગ ફર્મ હેનલી એન્ડ પાર્ટનર્સના જણાવ્યા અનુસાર, ભારત એવા 10 દેશોમાં સામેલ છે જ્યાંથી આ વર્ષે એચએનડબલ્યુઆઈ(હાઇ નેટ વર્થ ઇન્ડિવિડ્યુઅલ)ના સૌથી વધુ સ્થળાંતરની આગાહી કરવામાં આવી છે. ટોચના 10 દેશોમાં રશિયા, ચીન, ભારત, હોંગકોંગ, યુક્રેન, બ્રાઝિલ, યુકે, મેક્સિકો, સાઉદી અરેબિયા અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.
હેન્લી અને પાર્ટનર્સે વૈશ્વિક નાગરિકતા અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતને 2022માં આશરે 8,000 એચએનડબ્લ્યુઆઈ ગુમાવવા પડશે જે 2019 થી 14 ટકા વધારે છે. 2019માં 7,000 ધનકુબેરો દેશ છોડી અન્ય દેશમાં સ્થાયી થયા હતા. કોવિડ -19 લોકડાઉન અને મુસાફરી પર પ્રતિબંધોને કારણે 2020 અને 2021નાં વર્ષનાં દેશ દીઠ ચોક્કસ આંકડા જોકે ઉપલબ્ધ નથી.
જોકે સારી બાબત એ છે કે ભારતમાંથી જેટલા કરોડપતિઓ દેશ છોડી જાય છે તેના કરતાં વધુ કરોડપતિઓ પેદા થાય છે.
હેનલી અને પાર્ટનર્સે જાહેર કર્યું હતું કે તેને 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પ્રોગ્રામની ઇન્કવાયરી મળી હતી. જે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ 55 ટકાનો વધારો દર્શાવે છે. અત્યારે જે કરોડપતિઓ દેશ છોડવા માગે છે તેમાં રશિયન, ભારતીય, અમેરિકન અને બ્રિટીશનો સમાવેશ થાય છે. પહેલીવાર ટોચનાં દસ દેશોમાં યુક્રેનનો પણ સમાવેશ થયો છે.
દુનિયામાં સ્થિતિ
અપેક્ષા મુજબ, છેલ્લા છ મહિનામાં રશિયામાંથી સૌથી વધુ કરોડપતિઓએ સ્થળાંતર કર્યું છે. 2022ના અંત સુધીમાં 15,000 કરોડપતિઓ દેશ છોડી જાય તેવી ધારણા છે. જે તેની એચએનડબલ્યુઆઈ વસ્તીના 15 ટકા અને 2019ની સરખામણીમાં 9,500 વધુ છે.
ચીનના 10 હજાર, હોંગકોંગના 3 હજાર અને યુક્રેનના 2800 કરોડપતિઓ પોતાનો દેશ છોડવા માટે તૈયાર છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ધનિક લોકો ઘણીવાર સ્થળાંતર કરે છે. આ જ કારણે 2013માં લગભગ 51,000 ધનિકોએ પોતાનો દેશ છોડી દીધો હતો. 2019માં આ આંકડો 110,000 સુધી પહોંચી ગયો હતો અને આ વર્ષે એક અંદાજ મુજબ વિશ્વભરમાં દેશ છોડીને જતા ધનિકોની સંખ્યા 88,000 હશે. 2023માં આ સંખ્યા વધીને 1,25,000 થવાની શકયતા છે.
રિપોર્ટ મુજબ 2022માં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં યૂએઈ સૌથી વધુ ધનકુબેરોને આકર્ષિત કરશે. એક અંદાજ મુજબ આ વર્ષે 4000 કરોડપતિઓ યુએઈમાં સ્થાયી થશે. જયારે 3500 લોકોએ ઓસ્ટ્રેલિલા અને 2800 લોકોએ સિંગાપુરને પોતાનું નવું ઘર બનાવ્યું છે.
રિપોર્ટ અનુસાર ઐતિહાસિક રીતે કેનેડા અને અમેરિકા ભારતીયો માટે અત્યંત લોકપ્રિય એજ્યુકેશન સેન્ટર્સ રહ્યા છે, પરંતુ ગોલ્ડન વિઝાના કારણે ગ્રીસ, માલ્ટા, પોર્ટુગલ અને યુરોપિયન ખંડમાં સ્થાયી થવામાં અમીરોનો રસ વધી રહ્યો છે. ટેકનિકલ ઉદ્યોગસાહસિકોમાં સિંગાપોર ફેવરિટ છે. આ ઉપરાંત આ દેશો સારી કાયદાકીય વ્યવસ્થા અને વિશ્વકક્ષાના નાણાકીય સલાહકારો માટે પણ જાણીતા છે.