નવી દિલ્હીઃ યુક્રેન કટોકટીના લીધે મોંઘવારીમાં વધારો થવાના પગલે રિઝર્વ બેન્કે રેપોરેટમાં 0.50 ટકા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. તેના લીધે હોમ લોન અને ઓટો લોન વધુ મોંઘી થશે. જો કે ભારતીય અર્થતંત્ર રિકવરીના માર્ગ પર છે. હવે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત MSFમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે MSF વધીને 5.15 ટકા થશે. સ્ટેન્ડિંગ ડિપોઝિટની સગવડમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. આમ તે 4.65 ટકા થશે.
જો કે અગાઉ અંદાજ જ હતો કે રેપો રેટ 0.25 ટકાથી વધારીને 0.50 ટકા કરવામાં આવી શકે છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં પણ 4.5 ટકાનો વધારો થઈ શકે છે. જો કે બેન્કોનું કહેવું હતું કે રિઝર્વ બેન્કે સીઆરઆર વધારવે જોઈએ નહીં. મે મહિનામાં રિઝર્વ બેન્કે જ્યારે સીઆરઆર વધાર્યો ત્યારે નાણાકીય વ્યવસ્થામાંથી 90 હજાર કરોડ રૂપિયા ઓછા થયા હતા. સીઆરઆર વધારવાથી તરલતામાં ઘટાડો થાય છે, જેનાથી મોંઘવારી નિયંત્રિત થાય છે.
જો કે રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિમાં 7.2 ટકાનું અનુમાન જાળવી રાખ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં જીડીપી વૃદ્ધિદર 16..2 ટકા, બીજા ક્વાર્ટરમાં 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 4.1 ટકા અને ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિદર 4.1 ટકા રહેવાનો અંદાજ છે.
નાણાકીય વર્ષ 2022-23 માટે છૂટક મોંઘવારીનું અનુમાન 5.7 ટકાના અંદાજથી વધારીને 6.7 ટકા કરવામાં આવ્યું છે. ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે આગામી ક્વાર્ટરમાં મોંઘવારી છ ટકાથી ઉપર રહેવાની ધારણા છે. એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાથી મોંઘવારી ઘટશે. તાજેતરમાં સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર છ રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે.
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે વ્યાજદરમાં ઘટાડાની સાઇકલ પૂરી થઈ ગઈ છે અને હવે વધારાની સાઇકલ શરૂ થઈ છે. આગામી સમયગાળા દરમિયાન વ્યાજદરોમાં ધીમે-ધીમે વધારો જોવા મળી શકે છે. એસબીઆઇના અર્થશાસ્ત્રીઓ માને છે કે મોંઘવારીને નિયંત્રણમાં લાવવા રિઝર્વ બેન્ક ઓગસ્ટ સુધીમાં રેપોરેટમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે. આમ તે રોગચાળા પહેલાના 5.15 ટકાના સ્તરે પહોંચી જશે. એક્સિસ બેન્કના અંદાજ મુજબ નાણાકીય વર્ષના અંત સુધીમાં રેપોરેટ વધીને 5.75 ટકા થઈ શકે છે.