નવા વાડજ ખાતે રહેતા અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા અજિત ચૌહાણ નામના યુવકે વાડજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી છે કે નિવૃત્ત પોલીસ કર્મચારી જયંતિ ભરવાડ અને તેના પુત્ર અજિત ભરવાડે તેના ભાઈ મુકેશ ચૌહાણને લાકડીથી ફટકારી લોહી લુહાણ કરી નાખ્યો હતો. ત્રીજી જુલાઈની રાત્રે બનેલા બનાવ બાદ મુકેશને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેની સારવાર ચાલુ છે.
ફરિયાદ મુજબ જયંતિ ભરવાડ સોસાયટીના કોમન પ્લોટમાં એક ઓરડી બનાવી રહ્યો હતો જેનો ફરિયાદી અને તેના ભાઈએ વિરોધ કર્યો હતો.
ગઈકાલે રાત્રે જયંતિ ભરવાડ અને તેનો પુત્ર અજિત તેમના ઘરે આવ્યા હતા અને મુકેશને લાકડીથી માર મારવા લાગ્યા હતા. બૂમાબૂમ સાંભળી ફરિયાદી પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તે સમયે બંને પિતા-પુત્ર મુકેશને મારી રહ્યા હતા. જોકે, તે સમયે આજુ બાજુના લોકો એકઠા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત મુકેશને હોસ્પિટલે લઈ ગયા હતા. વાડજ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.