R.I.P.બ્લેકબરી…એક સમયના આઇકોનીક હેન્ડસેટનો અંત

| Updated: January 5, 2022 4:23 pm

બ્લેકબરી…એક સમય હતો જ્યારે જેમની પાસે બ્લેકબરીનો હેન્ડસેટ હોય એમનું સ્ટેટસ બીજા કરતા ઊંચુ માનવામાં આવતું. પોતાની અલગ ઓપરેટીંગ સિસ્ટમ પર ચાલતા બ્લેકબરીનો મંગળવારે એટલે કે 4 જાન્યુઆરીએ છેલ્લો દિવસ હતો. કંપનીએ 4 જાન્યુઆરીથી બ્લેકબરી ઓપરેટીંગ સિસ્ટમ અને સર્વિસિસનો અંત લાવી દીધો છે.

મૂળ કેનેડાના ઓન્ટારિયો સ્થિત બ્લેકબરી લિમિટેડ કંપનીએ 1990ના દાયકામાં બ્લેકબરી ફોનની શરુઆત કરી હતી. આ કંપની ફોર્મલી રિસર્ચ ઇન મોશન નામે પણ ઓળખાતી હતી. કંપનીએ બ્લેકબરીની સેવાઓનો અંત લાવવાની ઘોષણા 2020માં જ કરી દીધી હતી.

આજે જ્યારે ફોન હેકિંગ અને સાઇબર સિક્યોરિટીનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે બ્લેકબરીના હેન્ડસેટ તેની સૌથી સિક્યોર ઓપરેટિંગ સિસ્ટમ માટે જાણીતા હતા. સાથે જ આ ફોન તેને કી-બોર્ડ માટે પણ લોકપ્રિય બન્યા હતા. લાર્જ ડિસપ્લે, વૈવિધ્યસભર ફિચર્સ સાથેના એપલના આઇફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોનની લોકપ્રિયતામાં વધારો થતા બ્લેકબરીના વેચાણમાં ઓટ આવી હતી.

આમ તો કેનેડીયન કંપની બ્લેકબરીએ 2016થી જ ફોન બનાવવાનું બંધ કરી દીધું હતું. કંપનીઓ સ્માર્ટફોન બનાવવાને બદલે માત્ર સોફ્ટવેર બનાવવા પર ફોકસ વધાર્યું હતું.

બ્લેકબરી સાથે જોડાયેલી યાદો…..દોસ્તો વચ્ચે કી-બોર્ડ ટાઇપીંગની રેસ, મેસેન્જર પર વાતો કરવા પીનની આપ-લે

દેશમાં મોબાઇલ ફોનના ઉદય બાદ એક તબક્કે જ્યારે નોકિયાનાનું એકચક્રી શાસન હતું ત્યારે બ્લેકબરીનો ઉપયોગ કરનારાઓનું એક અલગ સ્ટેટસ હતું. એ સમયે બ્લેકબરી એટલે આજનો આઇફોન. ક્વેર્ટી કી-બોર્ડવાળો બ્લેકબરી હોવો એ સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવતું. ઘણા યુવાનો વચ્ચે બ્લેકબરીના કી-બોર્ડ પર ટાઇપ કરવા માટે રેસ જામતી તો દોસ્તો વચ્ચે બ્લેકબરી મેસેન્જર પર ચેટ કરવા માટે એકમેકના પીન માગવામાં આવતા.

બ્લેકબરી માટે એવું કહેવાતું કે યૂઝરની મંજૂરી વિના કોઈપણ ફોનનો ડેટા મેળવી શકે નહીં. ફોનની આ જ જડબેસલાક સુરક્ષાના કારણે હાઇપ્રોફાઇલ લોકોના હાથમાં બ્લેકબરી સિવાય ભાગ્યે જ કોઈ ફોન જોવા મળતા.

બ્લેકબરી મેસેન્જર (બીબીએમ)ની ખુબી તેનો ખુફિયા કોડ હતો. આ કોડ વિના મેસેન્જર ક્રેક થઈ શકતો નહોતો. જો કે હવેના સ્માર્ટફોનમાં એના કરતા પણ વધુ સારા સિક્યોરિટી ફિચર્સ આવી ગયા છે અને આ જ કારણોસર બ્લેકબરીનો યુગ ફેડઆઉટ થઈ ગયો. RIP બ્લેકબરી…..

Your email address will not be published.