અંકલેશ્વરમાં આવેલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં દિન દહાડે લૂંટારૂઓ હથિયારો સાથે ત્રાટક્યા હતા. લૂંટારુઓએ હથિયારની અણીએ લાખોની લૂંટ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને જાણ થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આરોપીઓને પકડવા માટે તેઓનો પીછો કર્યો તો તેઓએ ફાયરિંગ કરી હતી. તમામ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ભરૂચના અંકલેશ્વરની મધ્યમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનીયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર લૂંટારૂઓ ત્રાટક્યા હતા. આ લૂંટારૂએ બે બાઈક પર આવ્યા હતા. આ ઘટનાને પગલે બેંકમાં હાજર લોકો ભયભીત બની ગયા હતા. ચાર લૂંટારૂઓએ તમંચા સાથે યૂનિયન બેંકમાં ત્રાટક્યા હતા અને લોકોને ભયભીત કરવા માટે બંદુક નીકાળી હતી.
આ ઘટનાને પગલે પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે લૂંટારૂઓએ લૂંટ મચાવી હંગામો મચાવ્યા બાદ ભાગી રહ્યા હતા. બે બાઈક પર આવેલા લૂંટારૂઓ ભાગ્યા ત્યારે બંને અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. એક બાઈક રાજપીપળા ચોકડી તરફ ભાગી હતી. જ્યારે બીજી બાઈક બ્રીજનગર તરફ રોંગ સાઇડમાં ભાગી હતી. પોલીસે રાજપીપળા તરફ ભાગેલા લૂંટારૂઓનો પીછો કર્યો હતો. જોકે આ ઘટના વચ્ચે લૂંટારૂઓના હાથમાંથી એક થેલો પડી ગયો હતો. આ ફિલ્મી દ્રશ્યો વચ્ચે લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
આ બનાવને લઈ પોલીસે બેંકમાં લાગેલ અને આસપાસના તમામ સીસીટીવી કેમેરા તપાસી આરોપીઓની ધરપકડ કરવા માટે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ભરૂચ એસપી ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે ઘટના અંગેની જાણ થતા જ પોલીસકાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં પોલીસ અને લૂંટારાઓ વચ્ચે સામસામી ફાયરિંગ થયું હતું. તેમાં એક લૂંટારૂ ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 દ્વારા સારવાર માટે રવાના કરવામાં આવ્યો હતો તેમજ પોલીસે આશરે 22 લાખ જેટલી રકમ પણ રિકવર કરી છે.