પરણે રાણી રુકમણી જ્યાં, વર દુલ્હા ભગવાન: દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન

| Updated: April 13, 2022 2:41 pm

દ્વારકા : પરણે રાણી રુકમણી જ્યાં, વર દુલ્હા ભગવાન.. દુહાના શબ્દો દેવભૂમિ દ્વારકામાં તાદ્રશ્ય થયા હોય તેમ દ્વારકાના રૂક્ષ્મણી માતાજીના મંદિરે માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશજીનો ત્રીદિવસીય લગ્ન મનોરથ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને ગત મોડી રાત્રી સુધી ચાલેલ ભગવાનનાં વિવાહનો ઉત્સવ રંગેચંગે પૂર્ણ થયો હતો.

લગ્ન હોય અને તે પણ સ્વયં ભગવાન રાજાધિરાજના હોય તો પછી ઠાઠમાઠનું કહેવું જ શું? હજારો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માધવપુર ઘેડમાં થયેલા ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પ્રથમ પટરાણી રૂક્ષ્મણીજી વિવાહની યાદમાં આજે પણ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં રુક્મિણી વિવાહ ધામધૂમથી કરવામાં આવે છે તેમજ પરંપરાગત લોકમેળો યોજાય છે. જેના સંદર્ભમાં દ્વારકામાં રાજાધિરાજ અને રૂક્ષ્મણીજીના વિવાહ રંગેચંગે કરવામાં આવે છે.

તા. 12 એપ્રિલના રોજ યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરાયું હતું. સાંસદ રમેશ ધડુક પરિવારના યજમાન પદે ત્રીજી વખત યોજાયેલ ભવ્ય અને જાજરમાન રૂક્ષ્મણી વિવાહ યોજાયા હતા. જેમાં સ્થાનિકો, પ્રવાસીઓ અને રમેશભાઈ ધડુકના મતવિસ્તારના 3000 જેટલા બહેનો-ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તમામ સુવિધાઓ સાથે માતા રૂક્ષ્મણીના અને ભગવાન દ્વારકાધીશના લગ્નને માણવાનો લ્હાવો બહોળી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

સામાન્ય રીતે, ઘરમાં લગ્ન પ્રસંગ હોય તો સગાસંબંધીઓ ખૂબ જ ખુશખુશાલ હોય છે ત્યારે દ્વારકામાં ભગવાન રાજાધિરાજ શ્રીદ્વારકાધીશ અને રાજરાજેશ્વરી માતા શ્રીરૂક્ષ્મણીજીના લગ્નોત્સવમાં હજારો ભાવિકો રાજીખુશીથી જોડાયા હતા. પરંપરા મુજબ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક બેન્ડબાજા અને બારાતની સાથે યોજાયો હતો. તેમજ વિધિવિધાનપૂર્વક માધુપુરના મંડપનો પ્રસંગ દ્વારિકાનગરીમાં માતા રૂક્ષ્મણીજીના મંદિરના પ્રાંગણમાં સંપન્ન થયો હતો.

(અહેવાલ: રિશી રૂપારેલિયા, દ્વારકા)

Your email address will not be published.