સોશિયલ મીડિયા ઉપર ફોટો શેર કરી વર્તમાન પદાધિકારીઓ અને નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા નથી તેવો કટાક્ષ કરાયો તેવી ચર્ચા
લક્ષ્મી પટેલ દ્વારા: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ( Vijay Rupani)એ આજે તેઓની ફેસબુક વોલ ઉપર પાંચ વર્ષ પહેલાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી અને તે વિસ્તારોની લીધેલી મુલાકાતના ફોટો શેર કર્યા છે. પાંચ વર્ષ પહેલાની તસવીરો મૂકી તેમણે લખ્યું છે કે, ” આજ ના દિવસ ૨૭ જૂલાઇ ૨૦૧૭ના રોજ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ ( Ahmedabad) માં ભારે વરસાદ પડેલ તે સમયે અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી વચ્ચે જઇને આપતિગ્રસ્ત લોકોની પરિસ્થિતિની જાતમાહિતી મેળવી લોકોને બોટમાં રેસક્યુ કરીને બહાર લાવેલ.” પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકીને આ વખતે પણ અમદાવાદમાં પાણી ભરાયા પણ કોઈ જોવા પણ આવ્યું નથી ? તેવો ગર્ભિત ઈશારો કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આજથી બરાબર પાંચ વર્ષ પહેલા તા. 27 જુલાઈ 2017ના દિવસે અમદાવાદ શહેરના કઠવાડાના મધુમાલતી વિસ્તાર અને નવા નિકોલ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. ત્રણ દિવસ સુધી આ વિસ્તારમાં પાણી ઓસર્યા નહતા. તે વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના આ વિસ્તારોની હોડીમાં બેસીને મુલાકાત લીધી હતી. અહીં સ્થાનિકોને વરસાદી પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાતરી પણ આપી હતી આ પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ઓડા દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યા હતા જેમાં આ વિસ્તારોમાં ખાસ સ્ટોર્મ વોટર લાઈનો નાખીને આ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીને સિંગરવા તળાવ સુધી ડાયવર્ટ કરાવવામાં આવ્યા હતા.
આ વખતે પણ ચોમાસામાં અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા અને બે દિવસ સુધી ઓસર્યા નહીં છતાં કોઈ જોવા પણ ન આવ્યું તેવો ઈશારો કરાયો
આ વખતે ગત રવિવારે પડેલા વરસાદમાં પણ કઠવાડાના મધુમાલતી વિસ્તાર અને ન્યુ નિકોલ વિસ્તારમાં એક ફૂટ જેટલા પાણી ભરાયા હતા. કેટલાક ભાગોમાં તો બે-ત્રણ દિવસ સુધી પાણી ઓસર્યા ન હતા. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને ઔડા દ્વારા આ વિસ્તારમાં વરસાદ પાણીની સમસ્યાના ઉકેલ માટે લેવાયેલા પગલાં પૂરતા સાબિત થયા ન હતા. આજે અચાનક જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર ગત તા. 27 જુલાઈ 2017ના રોજ કઠવાડા અને ન્યુ નિકોલ વિસ્તારોની મુલાકાતની પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ પૂર્વ મુખ્યમંત્રીએ ચોમાસામાં આ તસવીરો કેમ શેર કરી ? અને તેઓ નો ઈશારો કઈ તરફ છે ? તે અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે.



કેટલાક એવું માને છે કે, આ વખતે ચોમાસામાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને બે ત્રણ દિવસ સુધી ઉતર્યા ન હતા પણ કોઈપણ ઉચ્ચ પદાધિકારી કે નેતાએ આ વિસ્તારોની મુલાકાત લીધી હોય તેવું દેખાતું નથી. પાંચ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી તેની તે સ્થિતિ અત્યારે પ્રવર્તે છે ? તેવો કટાક્ષ કદાચ કરવામાં આવ્યો હોય તેવી સંભાવના નકારી શકાય નથી.
રૂપાણીએ મુકેલા ફોટાની નીચે મોટાભાગના લોકોએ કોમેન્ટ કરીને તેઓની સરકારને સંવેદનશીલ ગણાવી અને તેઓ આ પ્રકારની હોનારત કે પાણી ભરાવાના કિસ્સામાં સ્થાનિક સ્તરે જઈ લોકોની મુલાકાત લેતા હતા અને તેમના પ્રશ્નોને વાચા આપતા હતા અને તેમને સાંભળતા હતા અને તેઓ સંવેદન સરકાર ચલાવતા હતા તેમ કહી તેમની વાહવાહી પણ કરી છે.
પૂર્વ મુખ્યમંત્રી અચાનક જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદ શહેરના 2017માં જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તે વિસ્તારોની તેઓએ મુલાકાત લીધી હતી. આ મુલાકાતના ફોટા મૂકીને કોને તરફ રાજકીય ટીકાનો ઈશારો કર્યો છે ? તે મુદ્દાએ ચર્ચા જોર પકડ્યું છે. આ મુદ્દો માત્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોના વર્તુળમાં જ નહીં પણ સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો વિષય બને છે.