સોમવારના રોજ યૂએસ ડૉલર સામે રૂપિયો સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. જે પહેલાથી જ ઊંચા ફુગાવા હેઠળ ઝઝૂમી રહેલા અર્થતંત્ર માટે વધુ મોટો પડકાર બની રહ્યો છે. રૂપિયો 51 પૈસા ઘટીને 77.41ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે માર્ચમાં અગાઉના 76.98 ની નીચી સપાટીને વટાવી ગયો હતો. વર્ષની શરૂઆતથી જ રૂપિયો ડગમગી રહ્યો છે. વિદેશી ફંડ્સે આ વર્ષે ભારતીય ઈક્વિટીમાંથી $17.7 બિલિયન ઉપાડ્યા છે.
દિવસના કારોબાર દરમિયાન રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 77.52 પર પહોંચ્યો હતો. શુક્રવારે રૂપિયો 55 પૈસા ઘટીને 76.90 પર બંધ થયો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અમેરિકી ચલણ સામે રૂપિયામાં 115 પૈસાનો ઘટાડો થયો છે. દરમિયાન, ડૉલર ઇન્ડેક્સ, જે છ મુખ્ય ચલણો સામે યુએસ ડૉલરની મજબૂતાઈને માપે છે, તે 0.33 ટકા વધીને 104 પર પહોંચ્યો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 1.68 ટકા ઘટીને $110.50 પ્રતિ બેરલ થયું હતું.
યુએસ ટ્રેઝરી યીલ્ડમાં સતત વધારાના કારણે ડોલરની મજબૂતી વધી છે અને 10 વર્ષની યુએસ ટ્રેઝરી નોટની યીલ્ડ છેલ્લા બે દિવસમાં 14 બેસિસ પોઈન્ટ વધી છે. છેલ્લે 10 વર્ષની યુએસ યીલ્ડ 3.17 ટકા હતી. સ્થાનિક ઇક્વિટી માર્કેટની નબળાઈએ પણ રૂપિયાને દબાવવામાં ભૂમિકા ભજવી છે.
છ મહત્ત્વના ચલણો સામે કરન્સીનું માપ આપતો યુએસ ડોલર ઇન્ડેક્સ 104ને વટાવી ગયો હતો અને 20 વર્ષની ઉંચી સપાટી 104.07 પર પહોંચ્યો હતો. 2022માં અત્યાર સુધીમાં યુએસ ડોલર ઇન્ડેક્સમાં 8 ટકાનો વધારો થયો છે.