ફિનલેન્ડ-સ્વીડન નાટોમાં જોડાય તો રશિયાને આ મહિને મળી શકે છે વધુ એક ઝાટકો

| Updated: May 2, 2022 5:59 pm

ઝુરિકઃ યુક્રેન યુદ્ધમાં અકલ્પનીય પ્રતિકારના લીધે યુદ્ધ લંબાતા બઘવાયેલા રશિયાને આ મહિને ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં જોડાઈને વધુ મોટો ઝાટકો આપી શકે છે. રશિયાના યુક્રેન સાથેના યુદ્ધની ફળશ્રુતિ એ આવી છે કે બંને દેશે નાટોમાં જોડાવવાની સંભાવના વધારે તીવ્ર બનાવી છે.

હાલમાં સ્વીડન-ફિનલેન્ડ અને નાટો વચ્ચે આ અંગે ટોચના સ્તરે મંત્રણા વેગવંતી બની છે. બંને દેશ 16મી મેના રોજ નાટોમાં સામેલ થવાની જાહેરાત કરી શકે છે. વાસ્તવમાં સ્વીડનના વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસન અને ફિનિશ વડાપ્રધાન સાના મરીન બર્લિન નજીક જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ સાથે મુલાકાત કરશે. ત્રણેય નેતાઓ વચ્ચે આ બેઠક ત્રીજી મેના રોજ યોજાશે. બેઠકમાં સુરક્ષાના મુદ્દાઓ હશે. પણ સૌથી વધારે મહત્ત્વની ચર્ચા બંને દેશોના નાટોમાં સામેલ થવા અંગેની હશે.

ફિનલેન્ડ અને સ્વીડન મેના મધ્યાંતરમાં નાટોમાં સામેલ થવાની જાહેરાત કરે તેવી પ્રબળ સંભાવના છે. ફિનલેન્ડ અને સ્વીડનના વિદેશ મંત્રીઓએ 29મી એપ્રિલે આ અંગે વાતચીત કરી હતી. જો કે રશિયાની આક્રમકતા જોતા નાટોને પોતાને ફિનલેન્ડ અને સ્વીડનને આટલા ઝડપથી નાટોના સભ્ય બનાવવા અંગે ડર લાગી રહ્યો છે. વાસ્તવમાં નાટોના વડા જેન્સ સ્ટોલ્ટનબર્ગે 28મી એપ્રિલે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અને સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ સોલી નિનિસ્ટો સાથે વાતચીત કરી હતી. તેમણે પોતાના દેશને નાટોમાં સામેલ કરવાની વાત પણ કરી હતી.

વાસ્તવમાં યુક્રેન અંગે રશિયાએ જે પ્રકારને આક્રમક વલણ અપનાવ્યું તેના લીધે સ્વીડન અને ફિનલેન્ડને અગાઉ તેમના તટસ્થ રહેવાના તથા નાટો કે રશિયા બંનેમાંથી કોઈની સાથે ન જોડાવવાના નિર્ણયની પુર્નવિચારણા કરવાની ફરજ પડી છે.

ફિનલેન્ડ મેના પહેલા કે બીજા સપ્તાહમાં નાટોમાં જોડાવવા અંગે નિર્ણય લઈ શકે છે. વડાપ્રધાન મારિનના ભલામણના આધારે રાષ્ટ્રપતિની ઓફિસ દ્વારા આ અંગેના અંતિમ નિર્ણયની જાણ કરવામાં આવશે. સરકારની વિદેશ નીતિ અને સુરક્ષા નીતિ માટે આ સમિતિનો નિર્ણય મહત્વનો સાબિત થવાનો છે. સ્વીડને તો 24મી એપ્રિલે જ નાટોમાં તાત્કાલિક જોડાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા નીતિની સમીક્ષા અંગે અહેવાલ તૈયાર કર્યો છે. વડાપ્રધાન એન્ડરસને તો નાટોમાં જોડાવવાના નિર્ણયને સુરક્ષા અંગે તોળાતા ડર સામેનો ઉકેલ ગણાવ્યો હતો. હવે સલામતી અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં સ્વીડન નાટોમાં જોડાવવા અંગે નિર્ણય લઈ શકે છે.  

Your email address will not be published.