હીના હત્યાકાંડઃ ક્રાઈમ થ્રિલરને ટક્કર આપે તેવા સચિન દિક્ષિતના કારનામા

| Updated: October 13, 2021 12:10 pm

કાયદેસરની પત્નીને અણસાર પણ ન આવે તેવી રીતે બીજી મહિલા સાથે લિવ-ઈન રિલેશનમાં રહેવું, આખો સપ્તાહ પ્રેમિકા સાથે રહેવું અને સપ્તાહાંતમાં જ પરિવાર સાથે રહેવા આવવું, પ્રેમિકા સાથે ઝઘડો થાય તો માસૂમ બાળકની હાજરીમાં પ્રેમિકાને મારી નાખવી અને પછી દશ મહિનાના માસૂમ બાળકને રાત્રીના અંધકારમાં ત્યજી દેવું…આ બધા કારનામા છે સચિન દિક્ષિતના જે આ તમામ ઘટનાઓનો બેરહેમ વિલન છે.

અસલમાં સચિન દિક્ષિતના કારનામા બોલિવૂડની કોઈ ક્રાઈમ થ્રિલરને ટક્કર આપે તેવા છે. પ્રેમિકાને હીનાને છોડીને જ્યારે તેણે પોતાના ઘરે જવાની વાત કરી ત્યારે હીના સાથે તેનો ઝઘડો થયો અને ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. બેગમાં લાશ પેક કરીને રસોડામાં રાખી દીધી અને માસૂમ પુત્રને પોતાની સાથે લઈને ફરાર થઇ ગયો. આ આખી ઘટનાને તેણે કઈ રીતે અંજામ આપ્યો તેના પર નજર કરીએ..

ગયા શુક્રવારે વડોદરામાં સચિન અને તેની પ્રેમિકા હીના વચ્ચે ઝઘડો થયો. તેણે ગુસ્સામાં આવીને હીનાને મારી નાખી ત્યારે બપોરના લગભગ 3 વાગ્યા હતા. હત્યા પછી પણ તેને પસ્તાવો ન થયો. પોલીસ સામે જઈને પોતાનો ગુનો કબૂલી લેવાના બદલે તેણે પૂરાવા છુપાવવાના પ્રયાસ કર્યા. તેણે લાશને પેક કરી રાખી દીધી બાળક શિવાંશને લઈને રાજસ્થાન જવા નીકળ્યો. રસ્તામાં ગાંધીનગર પહોંચ્યો. અંધારું થતા તેને ડર લાગ્યો જેથી 20 મિનિટ સુધી ગાંધીનગરમાં બાળકને લઈને ફર્યો. બાદમાં બાળકને પેથાપુર નજીક ગૌશાળામાં ત્યજી ત્યાથી ફરાર થઈ ગયો અને રાજસ્થાન જતો રહ્યો

જોકે, શિવાંશના કેસમાં નાટ્યાત્મક વળાંકો લખાયા હતા તેથી આ માસૂમ બાળકના માતાપિતાને શોધવા માટે અભૂતપૂર્વ પ્રયાસ કરવામાં આવ્યા અને રાત સુધીમાં સચિનનો પતો મળી ગયો. રવિવારે સવારે પોલીસ સચીન દીક્ષિતને લઈને ગાંધીનગર આવી અને તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી. આજે સવારે 9 વાગ્યા સુધી સચિનને પોલીસે રિલેક્સ થવા દીધો બાદમાં સચિનની પૂછપરછ કરવામાં જેમાં સચિનએ બાળક અંગેની તમામ હકીકતો જણાવી અને સાથે સાથે હત્યાનો રહસ્યસ્ફોટ પણ કર્યો.

આ કેસમાં હવે શું થશે
સચિનની પૂછપરછ પછી તેને વડોદરા લઈ જવાયો છે જ્યાંથી સાંજે પરત ગાંધીનગર લાવવામાં આવશે. આવતીકાલે સચિનને કોર્ટમાં શિવાંશ કેસ બાબતે રિમાન્ડ માટે રજૂ કરાશે. હાલમાં ગાંધીનગર પોલીસે બાળક ત્યજી દેવાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વડોદરામાં સચિન સામે હત્યા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાશે. સચિનના માતા પિતા અને પત્નીના કાઉન્સેલિંગ માટે જીવન આસ્થાની ટીમને ઘરે મોકલાઈ છે. હત્યાની વાત સામે આવતા પરિવારને આઘાત લાગ્યો છે તેથી તેમના માટે કાઉન્સેલિંગની સર્વિસ અપાશે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *