શાહિબાગ પોલીસ સ્ટેસનમાં 11 લાખની લાંચના આરોપીને પીઆઇએ ગળે લગાવી લીધો

| Updated: May 29, 2022 7:15 pm

રાજ્ય સરકાર ભ્રષ્ટાચારીને પકડવા માટે કંઇ પણ કરે મદદ મળતા તેમની હિંમત તો ખુલે જ છે
કાયદાની ઐસી કી તૈસી, આરોપીને પોલીસ સ્ટેશનમાં જ વીવીઆઇપી સુવિધાઓ કરી આપી

અમદાવાદ
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે સબ રજીસ્ટ્રાર અને તેનો સાગરીત 11 લાખની લાંચ લેતા પકડાયા હતા. આ બંને એસીબીના આરોપીને શાહિબાગ પોલીસ સ્ટેસનના લોકઅપમા રાખવા માટે પોલીસ સ્ટેશન સોપ્યા હતા. દરમિયાનમાં 11 લાખની લાંચ લેનાર આરોપીને શહેરના દરિયાપુરના સેકન્ડ પીઆઇ વી ડી વાઘેલા મળવા પહોંચી ગયા હતા. એટલેથી તેઓ અટક્યા નહી આરોપીને ગળે મળ્યા અને તેમના માટે હોટલમાંથી જમવાની વ્યવસ્થા તથા લોકઅપની બહાર બેસાડવાની વ્યવસ્થા કરાવી હતી. હજુ પણ વીવીઆઇપી ટ્રીટમેન્ટ ઓછી પડતી હોવાથી તેમને ગરમી ન લાગે તે માટે પંખા, ગોડદા સહિતની વ્યવસ્થા કરી સામેના સ્વચ્છ લોકઅપમાં કરી આપી હતી. આરોપીઓ તમાકુનું વ્યસન કરતા હોવાથી તેઓને તેની પણ વ્યવસ્થા કરી આપી હતી. સાથે સાથે નારાણપુરા પોલીસ સ્ટેસનનો ડિસ્ટાફનો એક પોલીસકર્મી પણ મોડી રાત સુધી ત્યા રોકાયો હતો. આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને ઝોન-4ના ડીસીપીએ વાત કરી તપાસના આદેશ આપ્યા હતા.

અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે આવેલી સબ રજીસ્ટ્રારની કચેરી મહેસુલ ભવન ખાતે 11 લાખની લાંચ લેતાં સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વિષ્ણુભાઇ પટેલ અને તેમનો સાગરીત મોમીન રીઝવાન લુલામ રસુલને એસીબીએ રંગેહાથે પકડી પાડ્યો હતો. એક વ્યક્તિના 3 દસ્તાવેજનું કામ સબરજીસ્ટારે રાખ્યું હતુ જે 3 દસ્તાવેજ પૈકી બે દસ્તાવેજ ફરીયાદીને જીતેન્દ્ર પટેલે નોંધણી કરી છોડી આપ્યા હતા. એક દસ્તાવેજ છોડી આપ્યો ન હતો. આમ જીતેન્દ્ર પટેલે અગાઉના બે દસ્તાવેજ અને તેમની પાસે રાખેલો એક દસ્તાવેજ મળી તેના અવેજ પેટે 18 લાખની માંગણી કરી હતી. આખરે 11 લાખમાં ત્રણે દસ્તાવેજનું કામ કરવાનું નક્કી થયું હતુ. સબરજીસ્ટાર અને તેના સાગરીતને એસીબીએ છટકું ગોઠવી 11 લાખ રોકડ સાથે પકડી પાડ્યો હતો. તેથી વધુ તેના ઘરેથી 263 દસ્તાવેજની કોપીઓ પણ મળી હતી. પકડાયેલા આરોપીને સામાન્ય રીતે એસીબી ઓફિસ જાવ તો એસીબીના કર્મચારીઓ મળવા દેતા નથી તથા તેઓ પોતાના છુપાવેલા પૈસા કે અન્ય પ્રોપર્ટીના દસ્તાવેજો કોઇને જણાવી ન દે તે માટે તેમને કોઇને પણ મળવા દેતા નથી. આરોપીને શાહિબાગ પોલીસ સ્ટેસનના લોકઅપમાં રાખવામાં આવે છે. જીતેન્દ્ર અને રીઝવાનને મળવા માટે પોલીસ સ્ટેશન અનેક વગદાર લોકો આવ્યા હતા. તેવામાં દરિયાપુર પોલીસ સ્ટેસનના સેકન્ડ પીઆઇ વી ડી વાઘેલા શાહિબાગ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. આરોપી જીતેન્દ્ર પટેલ અને તેના સાગરીતને લોકઅપની બહાર લાવી ગળે મળ્યા હતા. આ જોઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો. 11 લાખની લાંચ કેસના આરોપી સાથે એક પોલીસ અધિકારી આવો જાહેરમાં વ્યવહાર કરતા આરોપીનુ મનોબળ વધી ગયું હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે. બંને આરોપીઓને રાજ્ય સરકારના એન્ટી કરપ્શન વિભાગના હોવા છતાં તેમને વીવીઆઇપી જમવાની વ્યવસ્થા, બહાર બેસવાની વ્યવસ્થા અને લોક અપની અંદર ગાદલા પણ નખાવી આપ્યા હતા. આરોપીને ફોન અપાવી તેને અનેક લોકો સાથે વાત કરાવી હતી ત્યારે લોકઅપની બહાર એક ટેબલ ફેન મુકવામાં આવ્યો હતો કેમકે, 11 લાખની લાંચ લેનાર આરોપીઓને ગરમી ન લાગે તેવી વ્યવસ્થા પણ કરી આપી હતી. આમ આવી જ વ્યવસ્થાઓ અને આરોપીઓને મદદ મળી રહેતા ગુનેગારોની હિંમત વધુ વધે તે નવાઇની વાત નથી. આરોપીને ફોન પર વાત કરાવી હશે એટલે તેની પાસેની કેટલી માહિતી પણ બહાર ન જવી જોઇએ તે પણ બહાર પહોંચી ગઇ હોવાનું નકારી શકાય તેમ નથી. તેવામાં દરિયાપુરના સેકન્ડ પીઆઇ વી ડી વાઘેલા પ્રોબેશનલ પીઆઇ હોવાનું બહાર આવ્યું છે તેમ છતાં આ પ્રકારની અત્યારથી જ હિંમત કરે છે તો પાછળથી શુ કરશે તે પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું રહ્યું કે, આ અંગે શહેરના ઉચ્ચ અધિકારીઓ તેમના સામે કોઇ પગલા ભરે છે કે કેમ.


ભ્રષ્ટાચારના આરોપમાં પકડાય તેમ છતાં વ્યવસ્થા કરતા ડર રહ્યો નથી


ભ્રષ્ટાચાર કરનાર આરોપીઓને એસીબી પોતાની ઓફિસમાં રાખતી નથી. તેના કારણે નજીકમાં આવેલા શાહિબાગ પોલીસ સ્ટેશનમાં એસીબીના આરોપીઓને રાત્રી પુરતા મુકવામાં આવે છે. આવા આરોપીઓને એસીબી પકડે છે પરંતુ તેઓને તમામ વ્યવસ્થા મળી જતા ભય જેવું રહેતું નથી. એટલું તો ઠીક પરંતુ શાહિબાગ પોલીસ સ્ટેશનમાં વગદાર ભ્રષ્ટાચારી આરોપી હોવાથી તેને મળવા માટે અનેક લોકો ત્યા આવી પહોચે છે અને તેને જે કોઇ માહિતી બહાર લીક કરવાની હોય તે બિન્ધાસ્ત થઇ જતી હોવાની પણ પોલીસ બેડામાં ચર્ચા છે. એટલે દેખાડા પુરતી જ કડકાઇ રાખવામાં આવે છે તેવી ચર્ચા ઉઠવા પામી છે. તેવામાં વ્યવસ્થા અને તેમને જે માહિતી બહાર પહોચાડવી હોય તે થઇ જાય ત્યારે તેઓ કાયદો અને વ્યવસ્થાથી ડરતા નથી. આમ વારંવાર આરોપીઓને વિવીઆઇપી ટ્રીટમેન્ટ મળતાં આરોપીઓમાં એસીબીનો ડર રહેતો નથી. આમ સરકાર ભ્રષ્ટાચારીઓને પકડવા માટે ગમે તેટલી મહેનત કરે પરંતુ ભ્રષ્ટાચારમાં રંગેહાથ પકડાયેલા આરોપીને સરકારી કર્મચારીઓ જ મદદ કરવા પહોચી જતા હોવાના અનેક કિસ્સા છે જેના કારણે આવા ભ્રષ્ટાચારીઓમાં રાજ્ય સરકારના કાયદાનો ડર ન રહ્યો હોવાની ચર્ચા છે.

Your email address will not be published.