બેંકોને કરોડો રૂપિયાનો ચુનો લગાવીને ફરાર થઈ ગયેલા સાંડેસરા બંધુઓની રૂ. 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરે આ ઓનલાઇન હરાજી યોજાશે.
વડોદરામાં એક સમયે જાણીતા બનેલા નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લી. શરૂ કરવામાં આવી હતી. જોકે, કંપની શરૂ કર્યાના થોડાક સમય બાદ જ સાંડેસરા બંધુઓનું હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ બહાર આવ્યું હતું.
હાલમાં એનસીએલટીમાં કંપની સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂ. 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે બુધવારે પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.
સ્ટર્લિંગ બાયોટેકના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું ગુજરાત ઉપરાંત મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં સાંડેસરા બંધુઓ દ્વારા દર વર્ષે જાણીતા ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હતું. જોકે, આ દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતિ ઝાઝો સમય ટકી નહી.
સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જુથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સરકારની પકડથી દુર સહપરિવાર વિદેશમાં હોવાનું કહેવામાં આવે છે.

વર્ષ 2019માં સ્ટર્લિંગ બાયોટેક લિ. સામે ફડચા અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હતી, હાલમાં ફડચા અધિકારી તરીકે એડવોકેટ મમતા બિનાની છે. આજરોજ અખબારોમાં પબ્લિક નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી. નોટીસ પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક લી.ની રૂ. 548 કરોડની સંપત્તિનું ઓનલાઇન ઓક્સન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંડેસરા બંધુઓનું હતું બોલીવૂડ અને રાજકીય કનેક્શન
મહારાષ્ટ્રમાં પણ ઇડી દ્વારા મની લોન્ડરિંગના કેસમાં અભિનેતા ડિનો મોરયો, સંજય ખાન અને ડીજે અકીલની પણ કરોડોની પ્રોપર્ટી સીઝ કરી હતી.
આ કાર્યવાહી સ્ટર્લિંગ બાયોટેક દ્વારા બેંક છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ કેસમાં થઈ હતી. ઇડીને 14,500 કરોડના લોન કૌભાંડના આરોપીઓ ગુજરાતના સાંડેસરા બંધુ સાથે આ ત્રણેયનું કનેક્શન મળ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે સ્વ.અહમદ પટેલની સાંડેસરા બંધુ સાથે સારી ઓળખાણ હતી. આરોપ હતો કે અહમદ પટેલના જમાઈ ઈરફાન સિદ્દીકીને સાંડેસરા બંધુ લાંચમાં મોટી રકમ આપતા હતા. મહત્વનું છે કે ઇડીએ ટ્વીટના માધ્યમથી આપેલી જાણકારી મુજબ આ કાર્યવાહીમાં સંજય ખાનની 3 કરોડ ડીનો મોરયાની 1.40 કરોડ અને ડીજે અકીલની 1.98 કરોડ અને ઇરફાન સિદ્દીકીની 2.41 કરોડની મિલ્કત સિઝ કરાઇ હતી.
આ બેંક કૌભાંડમાં ઓક્ટોબર 2017માં સીબીઆઇની તરફથી કેસ દાખલ કર્યા બાદ ઇડીએ પણ તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલાસો થયો કે સાંડેસરાએ દેશમાં જ નહીં વિદેશોમાં ભારતીય બેંકોને ચૂનો લગાવ્યો છે. સાંડેસરાની વિદેશ સ્થિતિ કંપનીઓએ ભારતી બેંકોની વિદેશી શાખાઓમાંથી લગભગ 9000 કરોડ રૂપિયાની લોન લીધી હતી.
સાંડેસરાની કંપનીને આપવામાં આવેલી લોનને પાંચ બેંકો, આંધ્ર બેંક, યુકો બેંક, ભારતીય સ્ટેટ બેંક, અલ્હાબાદ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાની સંયુક્ત કન્સોર્ટિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ 27 જૂન 2019ના રોજ સાંડેસરા સમૂહની 9778 કરોડ રૂપિયાની સંપત્તિ પણ કબજે કરી હતી, તે ઉપરાંત અમેરિકામાં રજિસ્ટર્ટ ફ્લાઈટ અને લંડન સ્થિતિ ફ્લેટને પણ કબજે કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં કેસ દાખલ થયા બાદ નિતિન અને ચેતન સાંડેસરા દેશમાંથી ગાયબ છે.