સંજય રાઉતની ઇડીએ અટકાયત કરતાં શિવસેનાને મોટો ફટકો

| Updated: August 1, 2022 12:57 pm

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રવિવારે મુંબઈ જમીન કૌભાંડના કેસમાં શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની ધરપકડ કરતા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને મોટો ફટકો પડ્યો છે. ઇડીએ રવિવારે સંજય રાઉતની તેમના જ નિવાસ્થાન પર કલાકો સુધી તપાસ કર્યા પછી તેમને અટકાયતમાં લીધા હતા.

સંજય રાઉતે જણાવ્યું હતું કે રાજકીય બદલો લેવાના લીધે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ઇડી “બનાવટી કેસ“માં તેમની ધરપકડ કરી રહી છે. રાઉતને 1,034 કરોડની પાત્રા ચાલ રિડેવલપમેન્ટ જમીન કૌભાંડમાં અનિયમિતતા સાથે સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યો હતો.

રાઉત સામે ઇડીની કાર્યવાહીને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે માટે મોટો ફટકો માનવામાં આવે છે, જેઓ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (એમવીએ) સરકારના પતનમાં પરિણમેલા 40 વિધાનસભ્યોના બળવા સાથે પક્ષમાં બળવાખોરીનો સામનો કરી રહ્યા છે. રાઉત ઉદ્ધવ ઠાકરેની પાછળ મક્કમતાથી ઊભા હતા અને ભાજપ તથા બળવાખોરો પર પ્રહાર કરવામાં સૌથી આગળ હતા.

રવિવારે બપોરે થાણેમાં પક્ષના નેતાઓ અને કાર્યકરોને સંબોધતા શિવસેનાના વડાએ જણાવ્યું હતું કે રાઉતની કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે અને ઇડીની કાર્યવાહી તે શિવસેના સામેનું કાવતરું છે. રાઉત આ કેસના સંબંધમાં પહેલી જુલાઈના રોજ પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈમાં ઇડી સમક્ષ હાજર થયા હતા. તેના પછી ઇડીએ તેમને બે વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેમણે સંસદના ચાલુ સત્રના લીધે વ્યસ્ત હોવાનું કહીને હાજરી આપી ન હતી.

રવિવારે સવારે સાત વાગે સીઆરપીએફના જવાનો સાથે ઇડીના અધિકારીઓ સાથે ભાંડુપમાં સ્થિત રાઉતના બંગલા મૈત્રી ખાતે પહોંચ્યા અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. આ તલાશી અભિયાન નવ કલાક ચાલ્યુ હતુ. ઇડીની કાર્યવાહી શરૂ થતાં જ રાઉતે ટ્વીટ કર્યુ હતુ કે હું સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના શપથ લઉ છું કે મારે કોઈ કૌભાંડ સાથે લેવા દેવા નથી. તેની સાથે જણાવ્યું હતું કે હું મરી જઇશ, પણ શિવસેના નહી છોડું.

ઇડીના તપાસ અભિયાન દરમિયાન શિવસેનાના સેકંડો કાર્યકરો ભગવા ઝંડા અને બેનરો સાથે રાઉતની ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્રીય એજન્સી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાઉતે તેમના ઘરની બારીમાંથી તેમના સમર્થકોને હાથ લહેરાવ્યો હતો. તેમની પત્ની વર્ષા સહિત તેમના કુટુંબના સભ્યો પણ તેમની સાથે ભાવુક થતા જોવા મળ્યા હતા.

મુંબઈ પોલીસે મધ્યપ્રદેશના એડિશનલ કમિશ્નર જ્ઞાનેશ્વર ચવ્વાણ, એડિશનલ કમિશ્નર (સ્પેશ્યલ બ્રાન્ચ) રાજીવ જૈનને પરિસ્થિતિ પર નજર રાખવા મોકલ્યા હતા. પોલીસ કમિશ્નર વિવેક કૃણસાલકરે રાઉતની વસાહત તરફ જતાં રસ્તાઓને કોર્ડન કરવાની સૂચનાઓ જારી કરી હતી, જેથી કોઈપણ સમયે સ્થળ પર 100થી વધુ લોકો ન હોય. લગભગ નવ કલાકની શોધ અને પૂછપરછ પછી ઇડીના અધિકારીઓએ રાઉતને એજન્સીની ઓફિસમાં તપાસ માટે તેમની સાથે જોડાવવા કહ્યુ. રાઉતે જણાવ્યું હતું કે લોકો સામે ખોટા આરોપો અને દસ્તાવેજો ઘડવામાં આવી રહ્યા છે. આ બધુ શિવસેના અને મહારાષ્ટ્રને નબળું પાડવા કરવામાં આવી રહ્યુ છે, પણ હું પક્ષ છોડીશ નહી.

Your email address will not be published.