દારુબંધી કરાવવા પોલીસની વહારે આવ્યા ખેડા જિલ્લાના સરપંચો, ઢંઢેરા સાથે કાર્યવાહી કરવા સૂચના આપી

| Updated: August 2, 2022 1:09 pm

ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ઊભા થયેલા વિવાદ અને તેનાથી ગંભીર બોટાદમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી થયેલાં લોકોના મોત બાદ એક્શન મોડમાં આવેલી પોલીસની વહારે હવે ગામડાંના સરપંચો મેદાને આવ્યા છે. એક માહિતી મુજબ રાજ્યના કેટલાય ગામોમાં સરપંચો દ્વારા જાહેર નોટીસ અને ઢંઢેરા કરાવી લોકોને દારૂ વેચવા કે પીવા પર પ્રતબંધ ફરમાવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મહોળેલ ગામ,બિલોદરા ગામ, માંઘરોલી ગામ, પાલૈયા ગામ, જાવોલ ગામ, નાના વગા ગામ, અંધજ ગામ, અરજનપુર કોટ ગામ, વીણા ગામ, મહુધા તાલુકાના સલાણી ગામ જેવા ગામોમાં સરપંચો દ્વારા જાહેર નોટીસ આપીને લોકોને સૂચના આપી છે કે ગામમાં દારૂ કે કેફી દ્રવ્યોનું વેચાણ કરવું નહિ, સેવન કરવું નહિ અને દારૂ પીને ધમાલ કરવી નહીં. જો કોઈ આવું કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલકુમાર દવેએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, “ખેડા જિલ્લામાં હું એક વર્ષથી છું. અહીંના સરપંચ જાગૃત છે અને તેઓ સ્વચ્છતા મિશન હોય કે સામાજિક જાગૃતિના મુદ્દા, હમેંશા ખંતથી જવાબદારી નિભાવે છે. દારૂબંધી જેવા મુદ્દે તેમણે કે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે એ સમાજમાં સુધારો લઈ આવશે અને આવનારી પેઢી માટે સારું ભવિષ્ય બનાવશે.”

ગુજરાતના બરવાળા – બોટાદ વિસ્તારમાં કેમિકલ યુક્ત દારૂ પીવાને કારણે ગત અઠવાડીયે ૪૫ જેટલાં લોકોના મોત થવા પામ્યા. આ ઘટનામાં ભોગ બનેલા મૃતક સિવાય અન્ય ૯૭ જેટલાં લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને તેના માઠા પરિણામો તેમના પરિવાર ભોગવી રહ્યા છે કે જેમના ઘરના મોભી અને સહારો ગયો.

બોટાદ નો આ કેમિકલ – લઠ્ઠાકાંડ સર્જાયો એ બાદ લોકો રાજ્યની વાસ્તવિક સ્થિતિથી વાકેફ થયા કે રાજ્યના ગામડાંઓમાં પણ દારૂની બદી કેટલી હદ સુધી પ્રસરી છે અને તેના કેવા માઠા પરિણામો લોકો ભોગવી રહ્યા છે.

આ ઘટનક્રમમાં ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે પોલીસના ઉચ્ચસ્તરીય અધિકારીઓની ટીમ દ્વારા આરોપીઓ સામે કેસ દાખલ કરી તેમની અટક કરવાંમાં આવી અને પોલીસના ૬ જેટલાં અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેથી જવાબદાર આરોપીઓને સજા અને ફરજચૂક થયેલ અધિકારીઓને પાઠ મળે.

ગુજરાતના ગામડાંઓમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ ભવિષ્યનો વિષય છે પરંતુ ગામડાંઓમાં રહેલા જન પ્રતિનિધિઓ, સરપંચો દ્વારા પોતાના ગામોમાં દારૂની બદી દૂર કરવા અને ગામનું ભવિષ્ય બચાવવા મુહિમ હાથ ધરવામાં આવી છે જેમાં તેઓ જાતે જ લોકોને ચેતવી રહ્યા છે કે ગામમાં દારૂની વેચાણ કે સેવન કરવું નહિ અને જો કોઈ વેચાણ કે સેવન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં દારુબંધીના પ્રચાર માટે સિંહનો ઉપયોગ

Your email address will not be published.