કોરોનાના કેસ વધતાં સાઉદી અરેબિયાએ કર્યો નિર્ણય: નાગરિકોના ભારત સહિત સોળ દેશોમાં મુસાફરી કરવા પર લગાવ્યો પ્રતિબંધ

| Updated: May 23, 2022 8:45 am

છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન દૈનિક કોવિડ કેસની સંખ્યામાં ઝડપી વધારાને પગલે, સાઉદી અરેબિયાએ તેના નાગરિકોને ભારત સહિત સોળ દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

અહેવાલો અનુસાર, ભારત સિવાય સાઉદી અરેબિયાના નાગરિકોને જે સોળ દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ છે, તેમાં લેબનોન, સીરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારુસનો અને વેનેઝુએલા સમાવેશ થાય છે.

તાજેત્તરમાં દુનિયાના કેટલાક દેશોમાં વધતાં જતાં મંકીપોક્સના કેસોને જોતાં, સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે લોકોને ખાતરી આપી છે કે દેશમાં મંકીપોક્સના શૂન્ય કેસ છે. અબ્દુલ્લા અસિરી, નિવારક સ્વાસ્થ્ય માટેના આરોગ્ય વિભાગના નાયબ પ્રધાને જણાવ્યું હતું કે, કિંગડમ પાસે મંકીપોક્સના કોઈપણ શંકાસ્પદ કેસોની દેખરેખ રાખવાની અને શોધવાની અને જો કોઈ નવો કેસ બહાર આવે તો ચેપ સામે લડવાની ક્ષમતા છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, “અત્યાર સુધી મનુષ્યો વચ્ચેના સંક્રમણના કિસ્સાઓ ખૂબ જ મર્યાદિત છે અને તેથી તેમાંથી કોઈપણ રોગચાળો ફાટી નીકળવાની સંભાવના જે  દેશોમાં કેસ મળ્યા છે, ત્યાં પણ ખૂબ જ ઓછી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)એ 11 દેશોમાં મંકીપોક્સના 80 કેસોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેઓ આટલા સામટા કેસો આવવાના અને તેના કારણને વધુ સારી રીતે સમજવા માટે કામ કરી રહ્યાં છે.

શુક્રવારના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં, વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, વાયરસ ઘણા દેશોમાં કેટલાક પ્રાણીઓની વસ્તીમાં સ્થાનિક રોગ સમાન છે. જે સ્થાનિક લોકો તથા પ્રવાસીઓમાં આ રોગ ફેલાવાનું કારણ હોઈ શકે છે.

Your email address will not be published.