સરદારનગરમાં SBIમાં સિક્યુરિટી ગાર્ડે સામાન્ય બાબતે પોલીસકર્મી પર ફાયરિંગ કર્યું, બેંકની મહિલાકર્મી ઈજાગ્રસ્ત

| Updated: June 20, 2022 8:16 pm

સરદારનગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાંચના સિક્યુરિટી ગાર્ડે સામાન્ય બાબતે એક પોલીસકર્મી પર સોમવારે બપોરે ફાયરિંગ કર્યું હતુ, જોકે સદનશીબે પોલીસકર્મી બચી ગયો હતો પરંતુ બેંકમાં હાજર એક મહિલા બેંક કર્મચારીને ઇજા થઇ હતી. ફાયરિંગ થતાં ગ્રાહકોમાં નાશભાગ મચી ગઇ હતી. લોકો અને કર્મચારીઓ બેંકમાંથી બહાર દોડી ગયા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી હથિયાર જમા લીધું હતુ.

અમદાવાદમાં રહેતા રાજેન્દ્રભાઇ વિરાભાઇ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. તેઓ સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇની ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેવામાં તેઓ સોમવારે બપોરે કામ હોવાથી 12.30 વાગ્યે સરદારનગરમાં આવેલી એસબીઆઇ બેંકની બ્રાચમાં ગયા હતા. આ દરમિયાન તેઓ તેમની સાથે પોતાની દિકરીને લઇને ગયા હતા અને તેમની નાની દિકરીએ પગમાં બુટ પહેર્યા હોવાથી તેની સાથે તેમણે બેંકમાં આવેલા વેઇટીંગ એરીયાની ખુરશીમાં બેસાડી હતી. આ જોઇ બેંકના સિક્યુરિટી ગાર્ડે દિકરીને ઉતારી દેવા બાબતે ઠપકો આપ્યો હતો. નાની બાળકી હોવાથી રાજેન્દ્રભાઇ સિક્યુરિટી ગાર્ડને રજુઆત કરતા સિક્યુરિટી ગાર્ડ વધુ ઉશ્કેરાઇ ગયો હતો. બંને વચ્ચે બાળકીને બુટ સાથે ખુરશીમાં બેસાડવા બાબતે ઝઘડો વધુ થતાં સિક્યુરિટી ગાર્ડે ઉશ્કેરાઇને તેમના પર ફાયરિંગ કર્યું હતુ.

રાજેન્દ્રભાઇ પોલીસમાં હોવાથી તેઓ ફાયરિંગ થતાં સ્વબચાવ માટે હટી ગયા હતા. દરમિયાનમાં બાર બોરમાંથી ફાયર થયેલી ગોળી બેંકમાં જ ફરજ બજાવતા સુમનબેનને વાગી હતી. ફાયરિંગનો અવાજ અને મહિલાને ગોળી વાગતા લોહી નિકળતા બુમાબુમ થતાં ગ્રાહકો તથા બેંકના કર્મચારીઓ ભાગી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા ફાયરિંગના મેસેજથી પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ અંગે એરપોર્ટ પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, એસ્કોર્ટ સિક્યુરિટી એન્ડ પર્સનલ સર્વિસના ગાર્ડ હમ્મીદસિંહ અમૃતસિંહ પરિહાર(ઉ. 52, રહે. વૈશાલી ફ્લેટ, લીલાનગર) બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમણે ગુસ્સામાં આવી ગ્રાહક તરીકે આવેલા રાજેન્દ્રભાઇ પર ફાયરિંગ કર્યું હતુ. બેંકના સીસીટીવી ફુટેજ અને ઇજાગ્રસ્ત મહિલાના નિવેદન લેવાયા છે. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

લાઇસન્સ રદ કરવા કાર્યવાહી થશે, બેંકની નોકરીથી પણ દુર કરાશે

શહેરમાં અનેક બેંકો આવેલી છે. તેમાં ગન સાથે સિક્યુરિટી ગાર્ડ ફરજ બજાવતા હોય છે. તેમણે ગ્રાહકો પર ફાયરિંગ કરવા નહી પણ સુરક્ષા માટે તૈનાત કરાય છે. તેઓને લૂંટારુઓ પર ફાયરિંગ કરવા માટે તૈનાત રાખવામાં આવે છે. આ સિક્યુરિટી ગાર્ડે ગ્રાહક પર ફાયરિંગ કરતા તેનું લાઇસન્સ રદ કરવા પણ કાર્યવાહી કરાશે. ગ્રાહક પર ફાયરિંગ કરે તો કોઇનો જીવ જોખમમાં મુકાય તે માટે તેમને બેંકમાં નોકરી ન રાખે તે માટે એસબીઆઇ બેંકને જાણ કરવામાં આવશે.

Your email address will not be published.