સેન્ટ્રલ યુનિવર્સિટીના સ્કોલર અને પ્રોફેસર પર અમેરિકન રિસર્ચરનો ઉઠાંતરીનો આરોપ

| Updated: June 18, 2022 11:39 am

ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વડોદરા ખાતેના કેમ્પસનું શિલાન્યાસ વડાપ્રધાન મોદીના હસ્તે થવાનું હોવાથી ઉત્સવનું વાતાવરણ છે. આ જ સમયે સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્વાન પર અમેરિકન રિસર્ચરે તેના આઇડિયાની ઉઠાંતરી કરવાનો આરોપ મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સીયુજીના ફેકલ્ટી મેમ્બર ડો. નરેશ કુમાર અને પીએચ ડી સ્કોલર અંશુમાન રાણાએ ઓગસ્ટ 2021માં ટર્કિશ ઓનલાઇન જર્નલ ઓફ ક્વોલિટેટિવ ઇન્ક્વાયરીમાં પ્રકાશિત કરેલો લેખ “ટ્રાન્સેન્ડિંગ ડાર્ક ટુરિઝમ એન્ડ એમ્બ્રેસિંગ સ્પિરિચ્યુઆલિટી ઇન ધ સિટી ઓફ લાઇટ ‘વારાણસી”  અમેરિકા સ્થિત ટુરિઝમ રિસર્ચર ડો. નીતિશા શર્માના પેપરમાંથી સીધી ઉઠાંતરી છે.

વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે બોલતા શર્માએ જણાવ્યું હતું કે 2016માં મેં પ્રતિષ્ઠિત ફ્રેન્ચ જર્નલ ટીઓરોસ પર વારાણસીમાં ટુરિઝમ પરનો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે થોડા મહિના પહેલાં મેં લખ્યો હતો તેવો જ અદ્દલોઅદ્દલ લેખ ડાર્ક ટુરિઝમ ઇન વારાણસીનો લેખ ફરીથી પ્રકાશિત થયેલો જોયો. તેઓએ રીતસરનો મારો લેખ ઉઠાવ્યો છે.

આ કદાચ લાંબો સંઘર્ષ લાગે, પરંતુ આ બાબત સ્પષ્ટપણે શૈક્ષણિક નીતિમત્તાના મોરચે નબળી સ્થિતિનું પ્રતિબિંબ પાડે છે અને ગુજરાતની સંસ્થાઓમાં સાહિત્યચોરીની સામેની તાલીમનો અભાવ દર્શાવે છે. તેમા પણ સેન્ટ્રલ યુનિર્સિટીઓ જેવી ઉચ્ચસ્તરીય સંસ્થાઓમાં બેઠેલા લોકો અપ્રામાણિકતા દાખવે અને પછી તેને છાવરવાનો પ્રયત્ન કરે તે ઘણી ગંભર બાબત છે. સાહિત્યચોરી ગંભીર બાબત છે અને જો અમેરિકામાં આ પ્રકારનો બનાવ બન્યો હોત તો તેના પરિણામ પણ ગંભીર આવ્યા હોત, એમ તે ઉમેરે છે.

ડો. નિતાશા શર્મા યુએસએમાં અલ્બામાં ખાતે ટુરિઝમ રિસર્ચર તરીકે કામ કરે છે. તેમણે અમેરિકામાં પીએચડી પૂરુ કર્યુ છે અને હોલેન્ડમાં ભૌગોલિક વિભાગમાં કેટલાક વર્ષો સુધી લેક્ચરર તરીકે કામ કર્યુ છે.

તે સમજાવે છે કે બે વિદ્વાનોએ રીતસર ઉઠાવેલો આ લેખ દર્શાવે છે કે આ સીધી સાહિત્યચોરી કે ઉઠાંતરી જ છે, ગોઠવણપૂર્વકની ચોરી છે અને સાહિત્યચોરી કરીને પછી તેનું પેચવર્ક કરવામાં આવ્યું છે. તેઓએ ટીઓરોસમાંથી મારા વિચારની ચોરી કરી છે અને મારા બધા આર્ટિકલ્સ અને મારા પીએચડી મહાનિબંધને ખીચડો બનાવી દીધો છે. હું મારા સીધા વાક્યો અને શબ્દસમૂહોની સીધી ઉઠાંતરી કરવામાં આવી તેના ઉદાહરણો આપીને તે અંગે અસરકારક દલીલ કરી શકું છું.

શર્માએ જણાવ્યું હતું કે મેં જ્યારે જિજ્ઞાશાવશ આ લેખ વાંચ્યો તો હું રીતસરની આંચકો પામી ગઈ કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના આ બંને રિસર્ચરોએ ફક્ત મારો વિચાર જ ચોર્યો નથી, પરંતુ આ પેપરમાં હોંશિયારીપૂર્વક વાક્યો અને શબ્દોને ટર્નિટિન જેવું એકેડેમિક પ્લેગિરિઝમ સોફ્ટવેર પકડી ન શકે તે રીતે બદલી નાખવામાં આવ્યા છે.

આના પછી મેં યુનિર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રાધ્યાપક રમા શંકર દુબેને લખ્યું હતુ અને સંલગ્ન વિભાગોના બધા ડીન્સને પણ તેની નકલ મોકલી હતી. ચેર ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરફથી આ કેસની તપાસ કરી રહ્યા હોવાનું કહેતા ત્રણ મેઇલ આવ્યા તે સિવાય કોઈએ હજી સુધી પ્રતિસાદ આપ્યો નથી, એમ તેમણે જણાવ્યું હતું.

શર્માએ ઉમેર્યું હતું કે  મેં તેઓને એથિક્સ સમિતિએ તપાસ કરેલી બાબતોની વિગતો પૂરી પાડવા વિનંતી કરી છે, પરંતુ તેમના પક્ષ દ્વારા મૌન સેવવામાં આવ્યુ છે તે સૂચવે છે કે તેઓ હવે આ કિસ્સાને કવર અપ કરવામાં લાગી ગયા છે અને તેથી યુજીસી દ્વારા કોઈપણ પ્રકારની તપાસ ટાળવામાં આવી રહી છે અને એક પ્રાધ્યાપક અને બીજા પીએચડીના વિદ્યાર્થી (તાજેતરમાં સ્નાતક થયેલા) દ્વારા કરવામાં આવેલી આર્ટિકલની સાહિત્યચોરીને છાવરવાની હિલચાલ આરંભી દેવાઈ છે. આમ યુનિવર્સિટી પણ આ એકેડેમિક્સ સામે કોઈપણ પ્રકારના પગલાં લેવાનો ઇરાદો ધરાવતી નથી.

વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ આ અંગે પ્રોફેસર અને સેન્ટર ફોર ડાયસપોરા સ્ટડીઝ (સીએસઆરડી (ઇન્ડિપેન્ડન્ટ સેન્ટર), સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ગાંધીનગર ડો. અતનુ મોહપાત્રાનો સંપર્ક સાધતા જણાવ્યું હતું કે અમે હાલમાં તો યુનિવર્સિટીના આગામી સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વ્યસ્ત છીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વડોદરા ખાતેના કેમ્પસનો 18મી જુને શિલાન્યાસ કરનાર છે. આ કેમ્પસ સો એકરમાં બનશે. હાલમાં તો અમારી પાસે અમેરિકા સ્થિત રિસર્ચે પૂછેલા સવાલનો જવાબ આપવાનો સમય નથી. અમે 20 જુન પછી જ આ મુદ્દે તપાસ કરી શકીશું.

Your email address will not be published.