ભાજપના વરિષ્ઠ નેતા અને કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજના અગ્રણી તારાચંદ છેડાની તબિયત લથડતા છેલ્લા 15 દિવસથી તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા. જોકે સારવાર છત્તા તેમની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. નોંધનીય છે કે, તારાચંદભાઈ જાન્યુઆરીમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા જે બાદ તેમના ફેફસા નબળા પડી ગયા છે.
અહેવાલો અનુસાર, 71 વર્ષીય તારાચંદભાઈ છેડાની તબિયત વધુ બગાડતાં તેમણે સ્વેચ્છાએ સંથારો લેવાનો નિર્ણય કર્યો હતો, જેથી તેમને સિમ્સ હોસ્પિટલમાંથી રાજા લેવાડાવીને ભુજ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ગત મોડી રાતે તારાચંદભાઈ છેડાના મૃત્યુ સમાચાર સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા, પરંતુ ખબર વધુ ફેલાતાની સાથે જ તેમના પુત્રએ આ વાત ફક્ત એક અફવા હોવાની પુષ્ઠી કરી હતી.
રાજકારણમાં તારાચંદભાઈ છેડા:
તારાચંદભાઈ સૌપ્રથમ વર્ષ ૧૯૯૦માં અબડાસા બેઠક પરથી વિધાનસભા ચુંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. કચ્છ વિઝા ઓસવાળ જૈન મહાજન અને સર્વ સેવ સંઘના પ્રમુખ રહી ચૂકેલા તારાચંદભાઈ વર્ષ 2012થી 2017 સુધી મુંદ્રાનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ દરમિયાન તારાચંદભાઈ કુટિર, ગૌરક્ષણ અને મીઠું ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી રહ્યા હતા.