કોંગ્રેસની પાસે આંતરિક સુધારો કરવાની ક્ષમતા છે અને સક્ષમ નેતાગીરી પણ છેઃ હૂડા

| Updated: May 12, 2022 2:55 pm

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દરસિંઘ હૂડાએ શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પાસે આંતરિક સુધારો કરવાની ક્ષમતા છે અને તેની નેતાગીરી પણ આ માટે સક્ષમ છે. હૂડાએ આ વાત ત્યારે કરી છે જ્યારે પક્ષ અને ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોર વચ્ચે સંગઠનની અંદર ધરમૂળથી ફેરફાર કરવાની વાતચીત પડી ભાંગી છે.

રાજસ્થાનમાં ઉદયપુર ખાતે પક્ષનો ચિંતન શિબિર યોજાવવાનો છે ત્યારે હૂડા તે 23 નેતાઓમાં એક હતા જેમણે 2020માં સોનિયા ગાંધીને પક્ષના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવાનો પત્ર લખ્યો હતો. તેની સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આકરા મનોમંથન દ્વારા પક્ષ હાલમાં તેણે સંગઠન તરીકે સામનો કરવો પડી રહ્યો છે તે બધા મુદ્દાનો ઉકેલ લાવશે.

સંગઠનની ચૂંટણીઓની પ્રક્રિયાની નોંધ લેતા હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દર હૂડાએ જણાવ્યું હતું કે પક્ષમાં અગાઉ સંસદીય બોર્ડ હતુ અને હોવું જોઈએ, પરંતુ આ મુદ્દાને વાસ્તવમાં વર્તમાન સંગઠન ચૂંટણી પછી હાથ પર લેવો જોઈએ. અમે કોઈના વિરોધમાં નથી, પણ પક્ષના હિતમાં છીએ, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

સંસદીય બોર્ડની માંગ પર ચર્ચા થવી જોઈએ તે અંગે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. તે આગામી કેટલાક મહિનાઓમાં પૂરી થશે. બીજી બાબતોને ચૂંટણી પછી જોઈ શકાય છે. અગાઉ ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે સંસદીય બોર્ડ હતુ અને તે હોવું જ જોઈએ.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જી-23 નેતાગીરી પક્ષની ટોચની નેતાગીરીનો વિરોધ કરે છે. આ અંગે હૂડાએ જણાવ્યું હતું કે અમે નેતાગીરીનો વિરોધ કરવાની વાત તો કરી જ નથી, પણ અમે પક્ષને કે સંગઠનને મજબૂત બનાવવાની વાત કરી છે. ચૂંટણી ચાલુ છે અને પક્ષપ્રમુખની ચૂંટણી થશે.

તાજેતરમાં પ્રશાંત કિશોર સાથેની વાતચીત પડી ભાંગી તેના સંદર્ભમાં પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષ આંતરિક સુધારા કરવા સક્ષમ છે. હૂડાએ તેના જવાબમાં કહ્યું હતું કે શા માટે નહી, કોંગ્રેસ સૌથી જૂનો પક્ષ છે. કોંગ્રેસ પાસે આંતરિક સુધારો કરવાની ક્ષમતા છે, તેની પાસે સક્ષમ નેતાગીરી પણ છે. તેની પાસે નેતાઓ છે. કોંગ્રેસ પાસે થિન્ક-ટેન્ક છે અને તે પક્ષની અંદર આંતરિક સુધારો કરવા સક્ષમ છે.

Your email address will not be published.