સતત બીજા દિવસે ભારતીય શેરબજારના માપદંડ ઇન્ડેક્સ ઘટીને બંધ આવ્યા હતા. જોકે, સ્મોલ કેપ અને મિડ-કેપ શેરમાં વૃદ્ધિ જોવા મળી હતી. વ્યાજદરમાં સંભવિત વધારો, પોતાની ટેકનોલોજી કંપનીઓના વિદેશમાં લિસ્ટીંગ સામે ચીન દ્વારા જાહેર કરવામાં આવેલા આકરા પગલાં, વિદેશી સંસ્થાઓના પ્રોફિટ બુકિંગ જેવા પરિબળોની અસર આ સપ્તાહે બજાર ઉપર જોવા મળી હતી.
શુક્રવારે સેન્સેક્સ 18275 પોઈન્ટ ઘટી 52,386.19 અને નિફ્ટી 38.10 પોઈન્ટ ઘટી 15,689.80 બંધ રહ્યા હતા. સાપ્તાહિક રીતે નિફ્ટી 0.19 ટકા અને સેન્સેક્સ 0.21 ટકા ઘટીને બંધ આવ્યા હતા. આજના સત્રમાં બીએસઈ મિડ-કેપ ઇન્ડેક્સ 0.61 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.39 ટકા વધ્યા હતા. આજના દિવસે જેના ભાવમાં વૃદ્ધિ થઇ હોય તેવા શેરની સંખ્યા 1898 હતી જયારે ઘટેલા શેરની સંખ્યા 1214 રહી હતી.
ઇન્ડેક્સ હેવીવેઇટમાં બજાજ ઓટો સૌથી વધુ બે ટકા જેટલો ઘટ્યો હતો. આ ઉપરાંત, ટીસીએસ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા ઘટ્યા હતા. તેની સામે ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને એનટીપીસીમાં વૃદ્ધિ જોવા મળી હતી.
ટેકનિકલ ચાર્ટ ઉપર નિફ્ટી 15700ના મહત્વના સ્તરથી નીચે બંધ આવ્યો હતો જેના કારણે બજારમાં હજુ પણ વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. વૃદ્ધિ થાય તો 15840 મહત્વનું પ્રતિકારનું સ્તર છે.
સાપ્તાહિક વધઘટ
NSE ઉપર ક્ષેત્રના ઇન્ડેક્સ | ટકામાં વધારો-ઘટાડો |
રિયલ્ટી | 6.25 |
મેટલ | 2.80 |
મિડકેપ | 1.34 |
મીડિયા | 1.10 |
નિફ્ટી બેન્ક | 0.75 |
એફએમસીજી | 0.09 |
નિફ્ટી | 0.19 |
સેન્સેક્સ | 0.21 |
ફાર્મા | 1.17 |
આઇટી | 1.19 |
સરકારી બેન્કો | 2.10 |
ઓટો | 2.48 |
સતત બીજા સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી ઘટીને બંધ આવ્યા છે. વૈશ્વિક પરિબળ ઉપરાંત સ્થાનિક રીતે પ્રથમ ક્વાર્ટરમાં કંપનીઓના પરિણામ કેવા આવે છે તેના અંદાજ, ફુગાવો વધવાની શક્યતા અને વિદેશી સંસ્થાઓ દવા પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી (તા.8 જુલાઈ સુધી) વિદેશી સંસ્થાઓએ કુલ રૂ.3,131 કરોડના શેર વેચ્યા હોવાનું એક્સચેન્જના ડેટા ઉપરથી જાણવા મળે છે.