વૈશ્વિક બજારની વૃદ્ધિ સાથે મંગળવારે પણ ભારતીય શેરબજાર વૃદ્ધી સાથે ખુલે તેવી શક્યતા છે. અમેરિકન બજાર સોમવારે રાત્રે ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ રહ્યા હતા, એશિયન બજારમાં તેજી જોવા મળી રહી છે અને ધારણા કરતા સારા ફુગાવાના આંકડાના કારણે બજારને ટેકો મળી રહ્યો છે. સિંગાપોરમાં નિફ્ટી ફ્યુચર્સ ૧૪૦ પોઈન્ટની વૃદ્ધિ દર્શાવી રહ્યો છે.
સોમવારે સેન્સેક્સ એક તબક્કે ૩૧૪ પોઈન્ટ વધેલો હતો. જોકે, અચાનક જ વેચવાલીનું દબાણ આવતા તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સત્રના અંતે, સેન્સેક્સ ૧૩.૫૦ પોઈન્ટ ઘટી ૫૨,૩૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. નીફી એક તબક્કે દિવસની ઉંચી સપાટી ૧૫,૧૭૮૯થી ઘટી માત્ર ૨.૮૦ પોઈન્ટની વૃદ્ધિ સાથે ૧૫,૬૯૨ બંધ રહ્યો હતો.
જોકે, બજાર આજે તેજીમય બંધ રહે છે કે દિવસ દરમિયાન પ્રોફિટ બુકિંગની અસરથી ફરી ઘટી જાય છે તે જોવાનું રહ્યું. સોમવારે સ્થાનિક અને વિદેશી સંસ્થાઓએ વેચાણ કર્યું હતું. આ મહિનામાં વિદેશી સંસ્થાઓએ રૂ.૫૦૦૨ કરોડના શેર વેચ્યા છે જયારે સ્થાનિક ફંડ્સની રૂ.૨૩૫૦ કરોડની ખરીદી છે.
આજે માઈન્ડટ્રી, ટાટા મેટાલિક્સ, ડેક્કન હેલ્થકેર, શ્રી ગણેશ રેમેડીઝ અને ડબ્લ્યુએસ ઇન્ડસ્ટ્રીઝ જેવી કંપનીઓ પોતાના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.