અદાણી પાવર સોમવારે રૂ. 1 ટ્રિલિયનના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનાર અદાણી ગ્રૂપની છઠ્ઠી કંપની બની છે. સોમવારે તેનાં શેર 5 ટકા વધીને ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ માર્કેટ કેપિટલાઇઝેશનમાં વધારો થયો છે. બીએસઇ પર લાર્જ કેપ સ્ટોક અગાઉ રૂ. 259.20ના ભાવે બંધ થયો હતો તે વધીને રૂ. 272.15 થયો હતો.
કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1.04 લાખ કરોડ રૂપિયા હતું. બપોરના સેશનમાં કંપનીના 51.92 લાખ શેરની લે-વેચમાં રૂ. 141.06 કરોડનું ટર્નઓવર થયું. એક વર્ષમાં સ્ટોક 210 ટકા વધ્યો છે અને 2022માં 173 ટકા વધવાની ધારણા છે. અદાણી પાવરનો સ્ટોક તેની 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એક મહિનામાં સ્ટોક 90 ટકા વધ્યો છે.જયારે છેલ્લા ચાર સેશનમાં શેરમાં 17 ટકાનો વધારો થયો છે.
શુક્રવારે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચની 50 સૌથી વેલ્યુએબલ કંપનીઓની યાદીમાં અદાણી પાવરનો પણ સમાવેશ થયો હતો.
છેલ્લા સેશનમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 99,972 કરોડે પહોંચ્યું હતું. શુક્રવારે શેર રૂ. 259.20ની ટોચે પહોંચ્યો હતો. અદાણી પાવરે 23 માર્ચે જાહેરાત કરી હતી કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની સંપૂર્ણ માલિકીની છ પેટાકંપનીઓને તેની મર્જ કરવા માટે એક મર્જર સ્કીમને મંજૂરી આપી છે.
એમકે ગ્લોબલે ગયા અઠવાડિયે આગાહી કરી હતી કે બેંક ઓફ બરોડા, ટાટા એલ્ક્સી, એનએમડીસી, અદાણી પાવર અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકનો એમએસસીઆઇ (મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ) ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સમાવેશ થશે. એમકેનાં અંદાજ મુજબ, આ પાંચ શેરોના સમાવેશથી કુલ 4.85 કરોડ ડોલરનો ઇન્ફલો આવી શકે છે.