ધોનીની ટીમે જે જગ્યાએ રોકાણ કર્યું તે હોટલમાં બળવાખોર શિવસેના ધારાસભ્યોના “જલસા”

| Updated: June 21, 2022 7:34 pm

સુરતના ડુમ્મસમાં આવેલ લા મેરિડિયન હોટલ આજે ચર્ચાનો વિષય બની છે. મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના રોકાણને લઈ ચર્ચામાં આવી છે. આ હોટલમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવેલી છે. જો કે જે લોકો વિદેશથી આવે છે તેઓની પહેલી પસંદ આ હોટલમાં રોકાણ કરવાની હોય છે. ત્યારે અગાઉ મહેન્દ્ર સિંઘ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ પણ આ જ હોટલમાં રોકાઈ હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ડુમ્મસમાં આવેલ લા મેરિડિયન હોટલનો ત્રીજા માળનો આખો ફ્લોર મહારાષ્ટ્રના ધારાસભ્યો માટે બૂક કરી દેવામાં આવ્યો હતો. ફ્લોર બુક થઈ ગઈ હોવાના કારણે કોઈ પણ અન્ય વ્યક્તિને જવા દેવામાં આવતો ન હતો. આ સાથે જ બળવાખોર ધારાસભ્યો માટે વીવીઆઈપી સુવિધાઓ કરવામાં આવી હતી. આ ધારાસભ્યોને કોઈ હેરાનગતિ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

થોડા સમય અગાઉ રમાયેલી આઈપીએલ સિરિઝની પ્રેક્ટિસ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે સુરતમાં કરી હતી. લાલભાઈ કોન્ટ્રાક્ટર ગ્રાઉન્ડ પર એકાદ મહિના સુધી પ્રેક્ટિસ કરનાર ધોનીની ટીમે લા મેરિડિયન હોટલમાં રોકાણ કર્યું હતું. ધોનીની ટીમે અહિં જ હોટલમાં એડવર્ટાઈઝિંગના શૂટિંગ પણ કર્યા હતાં. જેના માટે હોટલના કુલ રૂમ પૈકી 132 રૂમ બૂક કરવામાં આવ્યાં હતાં.

લા મેરિડિયન નામે હાલ ચાલતી હોટલ અગાઉ ધ ગ્રાન્ડ ભગવતીના નામે ચાલતી હતી. સંપૂર્ણ વેજ હોટલનું વર્ષ 2019ના એપ્રિલ મહિનામાં લા મેરિડિયન દ્વારા ખરીદી કરવામાં આવી હતી. બાદમાં આ હોટલનું નામ ટીજીબી(ધ ગ્રાન્ડ ભગવતી)થી બદલીને લા મેરિડિયન કરવામાં આવ્યું હતું. અગાઉ જે સુવિધાઓ હતી તે જ સુવિધાઓ અને રૂમો અત્યારે પણ રાખવામાં આવ્યાં છે. હાલ આ હોટલ ફાઈવ સ્ટાર હોટલમાં ગણના પામે છે.

લા મેરિડિયન હોટલમાં 170 જેટલા રૂમ, બેન્ક્વેટ હોલ 2 તથા જીમ સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. હોટલમાં ડિલક્સ, સુપર ડિલક્સ, એક્ઝિક્યુટિવ રૂમ, પ્રમિયમ રૂમ અને ખાસ સૂટ પણ બનાવવામાં આવ્યાં છે.

Your email address will not be published.