માસૂમ શિવાંશનો જન્મ બોપલની હોસ્પિટલમાં થયો હતોઃ હીના-સચિન માતાપિતા બનીને ગયા હતા

| Updated: October 12, 2021 9:26 pm

રાજ્યભરમાં સનસનાટી ફેલાવી દેનારા હીના હત્યાકાંડમાં નવા નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સચિન અને હીનાના બાળક શિવાંશનો જન્મ બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. સચિન જ એ વ્યક્તિ છે જેણે પોતાની લિવ-ઇન પાર્ટનર હીનાની હત્યા કરી અને પછી 10 માસના માસૂમ બાળકને રાત્રીના અંધકારમાં તરછોડી દીધો હતો.

પોલીસની એક ટીમ હાલમાં સંગીતા હોસ્પિટલમાં વધુ તપાસ કરી રહી છે. પોલીસને જાણવા મળ્યું હતું કે શિવાંશના જન્મ સમયે હીનાએ પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું. ગાંધીનગર પોલીસે આજે આરોપી સચિન દિક્ષિતને સાથે રાખીને પંચનામું પણ કર્યું હતું.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સંગીતા હોસ્પિટલમાં ગયા વર્ષે શિવાંશનો જન્મ થયો હતો. હીના અને સચિન દીક્ષિતે હોસ્પિટલમાં પોતાની ઓળખ પતિ-પત્ની તરીકે આપી હતી. સંગીતા હોસ્પિટલમાંથી પોલીસે બાળકના જન્મને લગતા જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે. શિવાંશના જન્મ પહેલાં 6 માસના ગર્ભાવસ્થા દરમ્યાન હીના અને સચિન સંગીતા હોસ્પિટલમાં જ ચેકઅપ કરાવવા જતા હતા. તે સમયે હીનાએ ત્યાં પોતાનું નામ મહેંદી લખાવ્યું હતું.

આ ઉપરાંત શિવાંશને બોપલ ખાતે આવેલી ચાઈલ્ડહુડ હોસ્પિટલમાં નિયમિત રસી અપાતી હતી. ડોકટરના મતે વેક્સિનેશન સમયે પણ સચિન અને હીના શિવાંશના માતાપિતા તરીકે જ આવતા હતા. બાળકોના ડોક્ટર મેહુલ શાહે શિવાંશને બધી વેક્સિન આપી હતી. છેલ્લે મે 2021માં શિવાંશને આ હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં ડોક્ટરે તમામ સહયોગ આપીને વેક્સિન, વાલી અને પેમેન્ટ સહિતની વિગતો આપી હતી.

Your email address will not be published. Required fields are marked *