દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને ફરી મળ્યું ‘બ્લ્યૂ ટેગ’ : તમે ક્યારે મુલાકાત લેવાના છો?

| Updated: October 7, 2021 4:36 pm

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા શિવરાજપુર બીચને સતત બીજીવાર વર્ષ 2021-22 માટે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ‘બ્લ્યૂ ફ્લેગ’ બીચ માટેનું સર્ટિફિકેશન મળ્યું હતું. 

‘બ્લ્યૂ ફ્લેગ’ એક પ્રમાણ છે જે દરિયાકિનારા, મરિના અથવા બોટિંગ ટૂરિઝમ ઓપરેટર દ્વારા મેળવી શકાય છે. બ્લ્યૂ ફ્લેગની ગણતરી ઇકો-લેબલ તરીકે થાય છે. પ્રમાણપત્ર ડેનમાર્ક સ્થિત ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા આપવામાં આવે છે, જે કડક પર્યાવરણીય, શૈક્ષણિક, સલામતી અને પ્રવેશ સંબંધિત માપદંડ નક્કી કરે છે જે અરજદારો માટે જાળવવા આવશ્યક છે. 

બ્લ્યૂ ફ્લેગ ટેગની ફાળવણી અને ચકાસણી એક આંતરરાષ્ટ્રીય જ્યુરી દ્વારા કરવામાં આવે છે, જેમાં યુએન એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ, યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન અને આઇયુસીએનના સભ્યોનો સમાવેશ થાય છે.

બ્લ્યૂ ફ્લેગ કાર્યક્રમની શરૂઆત વર્ષ 1985માં ફ્રાન્સ ખાતે થઈ હતી. આ કાર્યક્રમ તેના ચાર મુખ્ય માપદંડો પાણીની ગુણવત્તા, પર્યાવરણીય વ્યવસ્થાપન, પર્યાવરણીય શિક્ષણ અને સલામતી દ્વારા તાજા પાણી અને દરિયાઇ વિસ્તારોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમમાં 47 દેશઓએ ભાગ લીધો છે અને તેમાંથી 4573 સ્થળોને આ પ્રમાણ આપવામાં આવ્યું છે.  

જુલાઈ 2019માં પર્યાવરણ મંત્રાલયે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેશન માટે ભારતમાં શિવરાજપુર (દેવભૂમિ દ્વારકા, ગુજરાત), ભોગાવે (સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર), ઘોઘલા (દીવ, દમણ અને દીવ), મીરામાર (પંજીમ, ગોવા) , કાસરકોડ (કારવાર, કર્ણાટક), પદુબિદ્રી (ઉડુપી, કર્ણાટક), કપ્પડ (કોઝિકોડ, કેરળ), ઈડન (પુડુચેરી), મહાબલીપુરમ (કાંચીપુરમ, તમિલનાડુ), રૂષિકોંડા (વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ), ગોલ્ડન (પુરી, ઓડિશા), અને રાધનગર (પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર) દરિયાકિનારાઓની ઓળખ કરી હતી.  

ગુજરાતની 1600 કિમી લાંબા દરિયાકિનારા પર શિવરાજપુર બીચ એવું પ્રથમ બીચ બન્યું હતું જેને બ્લ્યૂ ટેગ મળ્યો ત્યારે ભવિષ્યમાં સરકાર રાજ્યના બીજા દરિયાકિનારાઓને પણ વિકસાવવા અને બ્લ્યૂ ટેગ જેવા અંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન મેળવવાના પ્રયાસોમાં રહેશે. તેની સીધી અસર પર્યાવરણ સાથે સાથે રાજ્યના પર્યટન ક્ષેત્ર પર પડશે. 

Your email address will not be published. Required fields are marked *