અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ રોકાવવાનું નામ જ લઈ રહી નથી. સોમવારે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં મ્યુઝિક ફેસ્ટિવલમાં ગોળીબાર થયો હતો. આ ઘટનામાં એક બાળકનું મોત થયું છે અને પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ઇજા થઈ છે. વોશિંગ્ટન પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં યુ સ્ટ્રીટ પાસે બની હતી.
આ શૂટિંગના વિડીયોમાં પોલીસ અધિકારીઓ રસ્તા પર પડેલા લોકોને મદદ કરતાં જોવા મળી રહ્યા છે. વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગની ઘટના પછી મેટ્રોપોલિટન પોલીસ કાર્યવાહીમાં લાગેલી છે. તે ફાયરિંગ કરનારા શખ્સની શોધ કરી રહી છે. જો કે હજી સુધી આ ફાયરિંગ કોણે કર્યુ તે જાણવા મળ્યું નથી.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ આ ઘટના વોશિંગ્ટન ડીસીમાં શૂટિંગ મોએચલા કાર્યક્રમ દરમિયાન ઘટી હતી. હાલમાં મેટ્રોપોલિટન પોલીસ વિભાગ ગોળીબારની ઘટના પર કાર્યવાહી કરી રહ્યું છે. અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ એમપીડી સહિતના અનેક અધિકારીઓને ગોળી વાગી છે. વોશિંગ્ટન ડીસીની ત્રીજી સ્ટ્રીટના 4400 બ્લોકમાં ગોળીબારની માહિતી મળી હતી. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં ઇજા પામેલા બધા ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસ વિભાગના વડાના જણાવ્યા મુજબ સ્થાનિક સમય મુજબ રાતે આઠ વાગ્યે ગોળીબારના સૌપ્રથમ સમાચાર આવ્યા હતા. જો કે કેટલા લોકોને ગોળી વાગી છે અને કેટલી જાનહાનિ થઈ છે તેનો ચોક્કસ આંકડો આપવાનો તેમણે ઇન્કાર કર્યો હતો. પોલીસ વડા આ સમગ્ર ઘટના અંગે ટૂંક સમયમાં મીડિયા બ્રીફિંગ કરશે તેમ માનવામાં આવે છે.
ગત દિવસે અમેરિકાના નોર્થ વર્જીનિયાના એક મોલમાં ઝઘડા દરમિયાન એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો, તેના પગલે ત્યાં ભયનો માહોલ સર્જાયો હતો. તે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તેમા ફેરફ્કિસ કાઉન્ટી પોલીસે ટવીટ કર્યુ હતુ કે દેશની રાજધાની નજીક ટાયસન કોર્નર સેન્ટરમાં ગોળીબારની માહિતીના પગલે અધિકારીઓને ત્યાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે કોઈ વાતને લઈને વિવાદ દરમિયાન એક વ્યક્તિએ બંદૂક બતાવી ગોળીબાર કર્યો હતો.
અમેરિકામાં ગન કંટ્રોલનો કાયદો લાવવાની વાત જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ ગોળીબારની ઘટનાઓ પણ વેગ પકડતી જાય છે. અમેરિકા પોતે પણ આ રીતે રસ્તા પર અને ગમે ત્યાં થતી ગોળીબારીથી અત્યંત સ્તબ્ધ છે.