શ્યામજી કૃષ્ણ વર્મા: વિદેશની ભૂમિ પર જેમણે દેશપ્રેમની જ્યોત જગાવી

| Updated: October 4, 2021 7:32 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારતીય રાષ્ટ્રવાદી નેતા અને સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્માની 160મી જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. 

“હું આદરણીય શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતી પર નમન કરું છું. તેમનો દેશભક્તિનો ઉત્સાહ અને ભારતની આઝાદી માટેના પ્રયાસોને ક્યારેય ભૂલી શકાય તેમ નથી, ” મોદીએ ટ્વિટ કર્યું. 

તે સાથે શ્યામ કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવતા ફોટોગ્રાફ્સ્ પણ ટ્વીટ કર્યા અને લખ્યું : “2003 માં સ્વિટ્ઝર્લેન્ડથી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવવાની અને 2015 માં મારી યુકેની મુલાકાત દરમિયાન તેમનું પુનસ્થાપન પ્રમાણપત્ર મેળવવાની તક મળતા હું મારી જાતને ધન્ય માનું છું. તે મહત્વનું છે કે ભારતના યુવાનો તેમની હિંમત અને મહાનતા વિશે વધુ જાણે.”

શ્યામજી કૃષ્ણ વર્મા એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, વકીલ અને પત્રકાર હતા. તેઓ દયાનંદ સરસ્વતીના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના અભિગમ અને હર્બર્ટ સ્પેન્સરના પ્રશંસક હતા.

તેમનો જન્મ 1857માં હાલના ગુજરાત સ્થિત માંડવીમાં થયો હતો.  આખું નામ શ્યામજી કૃષ્ણ નખુઆ, નખુઆ તેમની અટક હતી, જે જૂના સમયમાં તેમના સમુદાય માટે ઉપયોગમાં લેવાતી હતી. શ્યામજી કૃષ્ણના માતા -પિતાનું અવસાન, તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારે થયું. તે બાદ તેઓ દાદી પાસે ઉછર્યા. તેમનું આગામી શિક્ષણ પૂર્ણ કરવા માટે મુંબઈ શિફ્ટ થયા. મુંબઈમાં જ શ્યામજી કૃષ્ણ વર્માએ સંસ્કૃત અને અન્ય ભારતીય ભાષાઓ પ્રત્યે પ્રેમ કેળવ્યો હતો.

તેઓ દયાનંદ સરસ્વતીથી ખૂબ પ્રભાવિત હતા અને આગળ જતાં તેમના શિષ્ય બન્યા. ટૂંક સમયમાં વૈદિક ફિલસૂફી અને ધર્મ પર પ્રવચનો આપતા થયા. 1877માં, જાહેર ભાષણોની શ્રેણીમાં જાહેર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. 1877માં કાશીના પંડિતો દ્વારા પંડિતનું પ્રતિષ્ઠિત બિરુદ મેળવનાર તેઓ પ્રથમ બિન-બ્રાહ્મણ બન્યા. તેઓ લોકમાન્ય તિલકના પણ સમર્થક રહ્યા. તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ પ્રમુખ હતા. 

તેમણે ભારતમાં સંક્ષિપ્ત કાનૂની કારકિર્દી બનાવી અને સંખ્યાબંધ ભારતીય રજવાડાઓના દિવાન તરીકે સેવા આપી. જુનાગઢ ખાતે બ્રિટિશ વસાહતી અધિકારીઓ વિરુદ્ધ કથિત કાવતરાને પગલે તેઓ બરતરફ કરવામાં આવ્યા હતા અને તે બાદ ઇંગ્લેન્ડ ગયા હતા.

સંસ્કૃત ભાષાની પારંગતતા થકી શ્યામજી ઓક્સફોર્ડના પ્રોફેસર મોનિયર વિલિયમ્સના ધ્યાનમાં આવ્યા, મોનિયરે શ્યામજીને તેમના સહાયક તરીકે નોકરીની પ્રસ્તાવના મૂકી અને આ જ ભલામણથી 1879માં બલિયોલ કોલેજ, ઓક્સફોર્ડમાં જોડાયા.  બી.એ.નો અભ્યાસ કરતા 1883માં, તેમણે રોયલ એશિયાટિક સોસાયટીમાં “ભારતમાં લેખનની ઉત્પત્તિ” પર એક વ્યાખ્યાન રજૂ કર્યું. ભાષણને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને તેઓ સમાજના બિન-નિવાસી સભ્ય તરીકે ચૂંટાયા. 1881 માં તેમણે ઓરિએન્ટલિસ્ટ્સની બર્લિન કોંગ્રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.

એક કટ્ટર રાષ્ટ્રવાદી તરીકે ઓળખાતા શ્યામજી કૃષ્ણ વર્માએ ભારતીય હોમ રૂલ સોસાઇટી, ઈન્ડિયા હાઉસ અને ધ ઇંડિયન સોશિયોલોજીસ્ટની લંડનમાં સ્થાપના કરી હતી. 

ધ ઇંડિયન સોશિયોલોજીસ્ટ બ્રિટિશ શાસન સામે સામૂહિક વિરોધને પ્રેરિત કરવાના હેતુથી એક અડગ અને વૈચારિક માસિક હતું, જેણે ભારતની સ્વતંત્રતા માટે લડવા માટે ઘણા બુદ્ધિજીવીઓને ઉત્તેજિત કર્યા હતા.

ઇંડિયન હોમ રૂલ સોસાઈટી અને ઈન્ડિયા હાઉસ તે સમયે બ્રિટનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે રાષ્ટ્રવાદ માટે સંગઠનનું મુખ્ય કેન્દ્ર બન્યું અને સમય જતા ભારતની બહાર ક્રાંતિકારી ભારતીય રાષ્ટ્રવાદ માટેના સૌથી અગ્રણી કેન્દ્ર તરીકે વિકસિત થયું. 

તે સમયના લંડન સ્થિત ઈન્ડિયા હોઉસના સભ્ય એવા વીર સાવરકર શ્યામજીથી અત્યંત પ્રભાવિત હતા અને શ્યામજીને પોતાના ગુરુ ગણતા.    

વર્મા લંડનમાં જ્યારે બેરિસ્ટર હતા, તે વખતે 1905માં વસાહતી સરકાર સામે લખવા માટે રાજદ્રોહના આરોપો બાદ ઇનર ટેમ્પલ દ્વારા તેમની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લંડનમાં બેરિસ્ટર અને ન્યાયાધીશો માટે માનનીય સોસાયટી ઓફ ધ ઇનર ટેમ્પલ ચાર વ્યાવસાયિક સંગઠનોમાંનું એક છે. 2015માં ઇનર ટેમ્પલ દ્વારા વર્માને મરણોત્તર પુનસ્થાપિત કરવામાં આવ્યા હતા. તેની ગવર્નિંગ કાઉન્સિલે નોંધ્યું હતું કે વર્માને “સંપૂર્ણ રીતે સુનાવણી મળી નથી”.

તે બાદ વર્મા ઇંગ્લૈંડથી પેરિસ ગયા અને તેમની ચળવળને આગળ વધારી. બીજા વિશ્વયુદ્ધ પછી તેઓ જીનીવામાં વસ્યા અને તેમનું આખું જીવન ત્યાં ગાળ્યું. 30 માર્ચ 1930ના દિવસે તેમને છેલ્લા શ્વાસ લીધા.  

વિદેશની ભૂમિ પર જેમણે દેશપ્રેમની જ્યોત જગાવી રાખનાર શ્યામજી વર્માનું દેશને યોગદાન અપ્રતિમ છે. રાષ્ટ્રવાદનો કક્કો બદલતી-ભૂલતી આજની પેઢીને શ્યામજી વર્મા જેવા મહાનુભાવોથી ઘણું શીખવાની જરૂર છે.

Your email address will not be published. Required fields are marked *